સ્ટ્રોમ વોટર લાઈન નાખવા 10 વર્ષમાં 200 કરોડનો ખર્ચો છતાં વરસાદી પાણી કલાકો સુધી ઉતરતાં નથી
Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગની બેદરકારીના કારણે શહેરીજનોને સામાન્ય એવા એક ઈંચ વરસાદમાં પણ ભરાતા વરસાદી પાણીને લઈ ભોગવવુ પડી રહ્યુ છે. દસ વર્ષમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સહિત અન્ય કામગીરી પાછળ 200 કરોડ રૂપિયાનું આંધણ કરાયું છે. આમ છતાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે, જે કલાકો સુધી ઓસરતા નથી. તમામ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન કોન્ટ્રાકટરોને હવાલે કરી દેવાયા છે. સરદારનગર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં ભારે વરસાદના સમયે કર્મચારીઓ ઉંઘતા નજરે પડતા સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરાયો હતો.
કોર્પોરેશને તમામ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન કોન્ટ્રાકટરોને ચલાવવા આપ્યા છે
છેલ્લા દસ વર્ષમાં જોધપુર વોર્ડમાં પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારમાં 29 કરોડ રૂપિયાના ખર્ચથી 29 કિલોમીટર લાંબી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી હતી. દસ વર્ષમાં વરસાદી પાણીના નિકાલ માટે માત્ર 30 ટકા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી છે. 980 કિલોમીટર લાંબી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન પૈકી 35 ટકા સ્ટ્રોમ વોટરલાઈન પશ્ચિમ વિસ્તારમાં જયારે 65 ટકા સ્ટ્રોમ વોટર લાઈન પૂર્વ વિસ્તારમાં આવેલી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ મેઘમહેર, સૌથી વધુ વલસાડમાં 78 ઈંચ
કોર્પોરેશનના સાાવાર આંકડા મુજબ દસ વર્ષમાં માત્ર 30 કિલોમીટર સ્ટ્રોમ વોટરલાઈન નાંખવામાં આવી છે. દર વર્ષ રૂપિયા ત્રણથી ચાર કરોડનો ખર્ચ સ્ટ્રોમ વોટર લાઈન નેટવક અને તેના ઓપરેશન અને મેઈન્ટેનન્સ પાછળ ખર્ચ કરાય છે. આમ છતાં દર વર્ષે વરસાદી પાણી ભરાવવા અંગેના નવા નવા સ્પોટ વધતા જાય છે. માત્ર ઓફિસમાં બેસીને પ્લાનિંગ કરતા કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા વર્ષ-2019માં આશ્રમ રોડ ખાતે 105 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટ્રોમ વોટરલાઈન નાંખવામાં આવી હતી. તંત્રની બેદરકારી છતાં સાત્તાધીશો ચૂપકીદી સેવે છે.
18 વર્ષ પછી પણ આ વિસ્તારોની કફોડી હાલત
વર્ષ 2007માં મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં સરખેજ, મકતમપુરા, વેજલપુર, બોડકદેવ ઉપરાંત થલતેજ, ઘાટલોડિયા, રાણીપ,કાળીગામ અને ચાંદખેડા જેવા વિસ્તાર સમાવાયા હતા. આ તમામ વિસ્તારોમાં 18 વર્ષ પછી પણ દર વર્ષે ચોમાસામાં પડતા એક ઈંચ જેવા સામાન્ય વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જાય છે, જે કલાકો સુધી ઓસરતા નથી. વેજલપુરમાં શ્રીનંદનગર વિસ્તાર વરસાદી પાણી ભરાવા માટેનુ હોટ સ્પોટ છે.