Get The App

અમદાવાદમાં બ્રિજ નીચે ઉભા થઈ રહ્યા છે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ, જુઓ ઝલક

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં બ્રિજ નીચે ઉભા થઈ રહ્યા છે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ, જુઓ ઝલક 1 - image

AMC Builds Sports Activity Centers Under Flyovers In Ahmedabad: અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરની 'સ્પોર્ટ્સ સિટી' તરીકે વિકસાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા શહેરમાં બ્રિજ નીચેની બિનઉપયોગી જગ્યાઓને આધુનિક 'સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ'માં પરિવર્તિત કરવાની અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માત્ર રમતગમત પૂરતો મર્યાદિત નથી, પરંતુ 'ફિટ અમદાવાદ – સ્પોર્ટ્સ ફ્રેન્ડલી અમદાવાદ'ના સ્વપ્નને સાકાર કરવાના દિશામાં ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં બ્રિજ નીચે ઉભા થઈ રહ્યા છે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ, જુઓ ઝલક 2 - image

અમદાવાદમાં અંડરબ્રિજ નીચે અત્યાધુનિક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર તૈયાર કરવાનો પ્રોજેક્ટ 

AMC દ્વારા હાલમાં સિમ્સ અને રાણીપ અંડરબ્રિજ નીચે અત્યાધુનિક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં બાળકો, યુવાનો અને નગરજનો માટે રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત લક્ષ્મણરાવ વકીલ સાહેબ બ્રિજ, અંજલી બ્રિજ અને ઘોડાસર બ્રિજ નીચે પણ સમાન પ્રોજેક્ટ્સ પર કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ કાર્યરત કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

આ સિવાય દિનેશ ચેમ્બર ફ્લાય ઓવરબ્રિજ, ગુરુજી ઓવર બ્રિજ, ગુજરાત કોલેજ રેલવે ઓવર બ્રિજ અને રાજેન્દ્ર પાર્ક ફ્લાય ઓવર બ્રિજ નીચે પણ સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવવા બ્રિજ ટેન્ડર વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં બ્રિજ નીચે ઉભા થઈ રહ્યા છે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ, જુઓ ઝલક 3 - image

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દરેક વિસ્તારમાં 'સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ' ઉભા કરીને લોકોમાં રમતગમત પ્રત્યે રસ વધારવો, બાળકો અને યુવાનોને નજીકમાં જ રમવાની અને તાલીમ લેવાની તક આપવી અને રમતગમતને શહેરી સંસ્કૃતિનો ભાગ બનાવવો એ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. તેમજ શહેરમાં વર્ષોથી બિનઉપયોગી જગ્યાઓ હવે યુવાનોની ઊર્જા, રમતગમત અને ફિટનેસનું કેન્દ્ર બની રહી છે. 

વિવિધ રમતોની સુવિધા 

બ્રિજ નીચે તૈયાર કરવામાં આવેલા આ આધુનિક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સમાં ક્રિકેટ, ફૂટબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સાથે જ સ્કેટિંગ, બેડમિન્ટન અને વિવિધ ફિટનેસ એક્ટિવિટીઝ માટે અલગ ઝોન પણ બનાવવામાં આવ્યા છે. જેમાં સીમ્સ બ્રિજ નીચે બનાવેલા સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં એરહોકી, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, બોક્સ ક્રિકેટ, પિકલ બોલ, બાસ્કેટ બોલ, પૂલ ટેબલ, ફુઝ બોલ અને લૂડો જેવી રમતોનો સમાવેશ થાય છે. રાણીપ ઓવરબ્રિજ નીચે બનાવેલા સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં ફૂઝ બોલ અને લૂડો સિવાયની રમતો રમાડવામાં આવે છે.બાળકો અને નગરજનો માટે રમતગમતના જરૂરી સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી દરેક વર્ગના લોકો સરળતાથી તેનો લાભ લઈ શકે.

અમદાવાદમાં બ્રિજ નીચે ઉભા થઈ રહ્યા છે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ, જુઓ ઝલક 4 - image

નાગરિકને સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ મળી રહેશે 

શહેરના વિકાસ સાથે સુરક્ષા અને સ્વચ્છતાને પણ AMC દ્વારા વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સ્પોર્ટ્સ એક્ટિવિટી બોક્સમાં આવનારા લોકો અને સ્ટાફની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, રાત્રિના સમયે પૂરતી LED લાઈટીંગ, નિયમિત સફાઈ અને મેન્ટેનન્સ જેવી સુવિધાઓ AMC દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી અહીં આવનારા દરેક નાગરિકને સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ મળી રહે.

આગામી સમયમાં AMC દ્વારા સ્થાનિક ટૂર્નામેન્ટ્સ, કોચિંગ કેમ્પ અને વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ યોજવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી બાળકો અને યુવાનોને તાલીમ સાથે સ્પર્ધાત્મક માહોલ પણ મળી શકે. શહેરમાં નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને મિની સ્ટેડિયમ વિકસાવવાની દિશામાં પણ પ્રોજેક્ટ્સ તૈયાર થઈ રહ્યા છે. દરેક ઝોનમાં રમતગમત સુવિધાઓ વધારવા, યુવાનો માટે ટ્રેનિંગ સેન્ટર અને સ્પોર્ટ્સ એકેડમી શરૂ કરવા તથા આંતરરાષ્ટ્રીય સ્તરના ટૂર્નામેન્ટ્સ આયોજિત કરવા AMC લાંબા ગાળાનું આયોજન કરી રહી છે.

રમતગમત ક્ષેત્રના વિકાસ સાથે શહેરમાં રોજગાર અને સ્પોર્ટ્સ ટૂરિઝમને પણ મોટો પ્રોત્સાહન મળશે. રમતગમત માત્ર મનોરંજન નહીં, પરંતુ સ્વસ્થ સમાજ અને પ્રગતિશીલ શહેરની ઓળખ છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક્સ જેવી મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સને ધ્યાનમાં રાખી અમદાવાદને વૈશ્વિક કક્ષાએ સક્ષમ બનાવવા માટે AMC દ્વારા બાળકો અને યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ વધારવા અને “ફિટ સિટી”નું વિઝન સાકાર કરવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે ખાનગી સંસ્થાઓ અને સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન્સ સાથે સહકારથી વધુ આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે.