Gujarat

અમદાવાદ: 'ફ્રી' પિત્ઝાની સ્કીમ દુકાનદારને મોંઘી પડી, AMCએ બે આઉટલેટ સીલ કરી નોટીસ ફટકારી

By GS TEAM
6 Oct 20252 mins read
TukuTouch Logo
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં જાહેર આરોગ્ય અને ફૂડ સેફ્ટી જાળવવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશ દરમિયાન AMCના અધિકારીઓએ ગુલબાઈ ટેકરા વિસ્તારમાં યુનિવર્સિટી રોડ પર આવેલા જાણીતા Martino’z Pizza આઉટલેટને સીલ માર્યું છે. તો બીજી તરફ રવિવારે પ્રહ્લલાદનગર ખાતે 1500 ફ્રી પિત્ઝા વિતરણ બાદ જાહેરમાં ગંદકી ફેલાવી હોવાથી એ.એમ.સીના સોલિડ વેસ્ટ વિભાગે જાહેર રસ્તા પર ગંદકી ફેલાવવા બદલ સીલ કરી દેવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: 'ફ્રી' પિત્ઝાની સ્કીમ દુકાનદારને મોંઘી પડી, AMCએ બે આઉટલેટ સીલ કરી નોટીસ ફટકારી

Martino'z Pizza Outlet Seal : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ વિભાગે ગઈકાલે (5 ઓક્ટોબર) લોન્ચ થયેલા પિઝા આઉટલેટ સામે આજે (6 ઓક્ટોબર) તાત્કાલિક અને સખત કાર્યવાહી કરી છે. પ્રહલાદનગર વિસ્તારમાં 'મફત પિઝા' આપવાની સ્કીમ આ દુકાનદારને ભારે પડી છે, કારણ કે જાહેર રસ્તા પર ગંદકી ફેલાવવા બદલ આઉટલેટને માત્ર 24 કલાકમાં જ સીલ કરી દેવામાં આવ્યું છે.

લોન્ચિંગનો ઉત્સાહ ગંદકીમાં ફેરવાયો

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રહલાદનગરમાં Martino’z Pizzaની નવી બ્રાન્ચે લોન્ચિંગના ભાગરૂપે લોકોને 1500 ફ્રી પિઝા આપવાની જાહેરાત કરી હતી. મફત પિઝા મેળવવા મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા, પરંતુ પિઝા વિતરણ પૂર્ણ થયા બાદ દુકાનના માલિકે જાહેર માર્ગ પર ફેલાયેલો કચરો અને ગંદકી સાફ કરવાની તસ્દી લીધી નહોતી.AMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાહેર માર્ગોની સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ રહેતા, સોલિડ વેસ્ટ વિભાગે તાત્કાલિક આઉટલેટને સીલ મારી દીધું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ફ્રી પિત્ઝા માટે પડાપડી, લોકોએ આડેધડ પાર્ક કરેલા વાહનો ટ્રાફિક પોલીસ ટો કરી ગઈ

ફ્રી પિત્ઝા સામે નો-પાર્કિંગનો દંડ

મહત્ત્વનું છે કે,ફ્રી પિત્ઝાની આ જાહેરાત બાદ ગઈકાલે રવિવારે લોકો આ સ્કીમનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. જોકે, અહીં એટલી ભીડ થઈ ગઈ હતી કે, લોકોના વાહન પાર્કિંગની પણ વ્યવસ્થા થઈ શકી નહોતી, જેને લઈને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. આ અવ્યવસ્થાની જાણ થતા ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન ત્યાં આવી પહોંચી હતી અને આડેધડ પાર્ક કરેલા વાહનોને ટૉ કરવામાં આવ્યા હતા. જેથી કેટલાક લોકોને ટ્રાફિકના ભારે દંડ સાથે ફ્રી પિત્ઝા મોંઘા પડ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો.


એક જ બ્રાન્ડની બે બ્રાન્ચ પર તાળાં, ફૂડ સેફ્ટીની ઝુંબેશ તેજ

AMCની આ ઝુંબેશમાં માત્ર ગંદકી ફેલાવનાર આઉટલેટ જ નહીં, પરંતુ ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો પણ લપેટમાં આવ્યા છે. યુનિવર્સિટી રોડ પર આવેલા Martino’z Pizzaના ગુલબાઈ ટેકરા આઉટલેટમાં તપાસ દરમિયાન રસોડામાં ગંદકી અને જીવાત જોવા મળતા તેને પણ તાત્કાલિક સીલ મારી દેવામાં આવ્યું છે.

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને AMCએ જાહેર આરોગ્ય અને ફૂડ સેફ્ટી જાળવવા માટે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ ઉપરાંત, વાસણામાં Chicken 65 આઉટલેટને માન્ય ફૂડ લાયસન્સ વિના ધમધમતું હોવાથી અને ઠક્કરનગરના ગાયત્રી ખમણ હાઉસને સ્વચ્છતા નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારવામાં આવી છે.

AMCનું કહેવું છે કે, તહેવારોની સિઝનમાં ખાદ્ય ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરાશે નહીં. છેલ્લા એક સપ્તાહમાં જ ફૂડ વિભાગે ઘી, મીઠાઈઓ, ફાફડા, જલેબી સહિત 100થી વધુ ખાદ્ય નમૂના એકત્ર કરીને કાર્યવાહી તેજ કરી છે.