અંબાજીમાં 40.41 લાખ શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કર્યા, છેલ્લા દિવસે 4 લાખથી વધુ ભક્તો ઉમટ્યાં
Bhadarvi Poonam Mela 2025: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો આજે વરસતા વરસાદ વચ્ચે નિવિઘ્ને સંપન્ન થયો હતો.સાત દિવસના મહામેળામાં 40.41 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભક્તોએ દર્શન કરીને મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવ્યું હતું. જયારે આજે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર વહેલું બંધ કરવામાં આવ્યું હતું.
સાત દિવસમાં 232.610 ગ્રામ સોનાની આવક
અંબાજીમાં આજે મેળાના અંતિમ દિવસે 4.24 લાખ ભક્તોએ મા અંબાના ચરણોમાં શિશ ઝુંકાવ્યા હતા. અંબાજીમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો અને વરસાદ વચ્ચે પણ પદયાત્રિકોની આસ્થા અડગ રહી હતી. વરસાદમાં પદયાત્રિકો સહિત ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વરસાદથી અંબાજીના બજારોમાં પાણી ભરાયા હતા.
અંબાજીના સાત દિવસ મહામેળામાં 3070 ધજાઓ ભક્તોએ ચડાવી હતી. 23.20 લાખ મોહનથાળના પેકેટનું વિતરણ થયું હતું. જયારે ચિકીના 35811 પેકેટનું વિતરણ કરાયું હતું. મેળા દરમિયાન 232.610 ગ્રામ સોનાની અને 500 ગ્રામ ચાંદીની આવક થઇ હતી. આજે વિવિધ વિભાગો દ્વારા મા અંબાના શિખરે પરંપાર મુજબ ધજાઓ ચડાવવામાં આવી હતી. આજે મેળાના અંતિમ દિવસે યોગદાન આપનામ દરેક વિભાગના કર્મચારીઓ અને સેવા કેમ્પો સહિતનું સન્માન કરાયું હતું.