અંબાજીમા ગબ્બર નજીક બસની ટકકરે બાઈક સવાર પિતા-પુત્રીનું મોત
અમદાવાદ,તા. 7 સપ્ટેમ્બર 2022, બુધવાર
યાત્રાધામ અંબાજીમાં હવે ભાદરવી પૂનમનો મેળો શરૂ થઇ ગયો છે. ત્યારે ભક્તો મોટા ભાગે અહીં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે અહીં અકસ્માત પણ એટલાં જ થતા હોય છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવી રહેલા વિરમપુર નજીકના કમપુરા ગામના એક આદિવાસી પરિવારના ત્રણ સભ્યોને અકસ્માત નડ્યો હતો.
- કમપુરાથી અંબાજી દર્શને આવી રહેલા આદિવાસી પરીવારને અકસ્માત નડ્યો
- અકસ્માત સર્જનાર એસટી ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઇ
અમીરગઢ તાલુકાના વિરમપુર પંથકમાં આવેલ કમપુરા ગામમા જયંતીભાઈ ફતાભાઈ ડુંગાસિયા,મોતીભાઈ તેમની દોઢ વર્ષની પુત્રી પ્રિયા સાથે બાઈક પર અંબાજી આવી રહ્યા હતા. આ દરમિયાન ગબ્બર નજીક અંબાજી તરફથી પુરઝડપે આવી રહેલી ડીસા ડેપોની એક બસના ચાલકે ગફળતભર્યું ડ્રાઈવિંગ કરી સામે આવતા બાઇકને ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં બાઈક સવાર મોતીભાઈ અને અને તેમની પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ.
જ્યારે જયંતીભાઈને ઇજાઓ થતા આ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
આ ઘટનાની જાણ થતાજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, મૃતકની લાશોને PM અર્થે મોકલી આપી અકસ્માત સર્જનાર એસટી ચાલક સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.