Ambaji Temple News: બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આજે 3 જાન્યુઆરીના રોજ જગતજનની મા અંબાનો પ્રાગટ્યોત્સવ (પોષી પૂનમ) ધામધૂમથી ઉજવવામાં કરવામાં આવી રહી છે. સમગ્ર મંદિર પરિસરને આકર્ષક ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. વહેલી સવારે ભક્તોની ભીડ જામવા લાગી છે. મંગળા આરતીના સમયે અંબાજી મંદિર ભક્તોની ભીડથી કચોકચ ભરાઇ ગયું હતું અને 'બોલ મારી અંબે જય જય અંબે' નાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. આ ખાસ પ્રસંગે માતાજી હાથીની અંબાડી પર સવાર થઈ નગરચર્યાએ નીકળશે, જેના દર્શન માટે રાજ્યભરમાંથી લાખો માઈભક્તો ઉમટી પડ્યા છે.
હાથી, ઘોડા અને પાલખી સાથે આશરે 3 કિલોમીટર લાંબી શોભાયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રામાં માતાજી સ્વયં નગરજનોને દર્શન આપવા નીકળશે. ચાચર ચોકમાં વિશ્વ કલ્યાણ અર્થે 101 યજમાન દ્વારા વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ શાકભાજીના અન્નકૂટ ધરાવવામાં આવશે અને માઈભક્તો માટે ભોજન પ્રસાદની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.
ભક્તો માટે વહીવટી તંત્રની ખાસ વ્યવસ્થા
ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક નિયમન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને પ્રસાદ લેવામાં સરળતા રહે તે માટે વધારાના પ્રસાદ કાઉન્ટરો પણ શરૂ કરવામાં આવ્યા છે.
માતાજીને રૂ. 43.51 લાખનો રત્નજડિત સુવર્ણ મુકુટ અર્પણ કરાયો
આ પવિત્ર અવસરે અંબાજી માતાજીને એક ભક્ત દ્વારા રૂ. 43.51 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ભવ્ય રત્નજડિત સુવર્ણ મુકુટ અર્પણ કરવામાં આવ્યો છે. આ મુકુટ શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક પરંપરા મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં સૂર્યના 20 કિરણો, આઠમનો ચંદ્ર, મોરપીંછ, સહસ્ત્ર કમળ અને 16 નિત્યા જેવી ધાર્મિક સંજ્ઞાઓ કંડારવામાં આવી છે. આ મુકુટ બનાવતા આશરે 3 મહિના જેટલો સમય લાગ્યો છે.
મા અંબાના પ્રાગટ્ય વિશે પુરાણો અને લોકવાયકાઓમાં ખૂબ જ રોચક અને શ્રદ્ધાપૂર્ણ કથાઓ જોવા મળે છે. અંબાજી એ ભારતના 51 શક્તિપીઠો પૈકીનું એક અત્યંત મહત્ત્વનું શક્તિપીઠ છે. તેના પ્રાગટ્ય સાથે જોડાયેલી મુખ્ય માન્યતાઓ નીચે મુજબ છે:
1. શક્તિપીઠની કથા (સતીના હૃદયનો ભાગ)
સૌથી પ્રચલિત પુરાણકથા અનુસાર, જ્યારે ભગવાન શિવે સતીના પાર્થિવ દેહને ખભા પર ધારણ કરી 'તાંડવ' શરુ કર્યું હતું, ત્યારે બ્રહ્માંડને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા હતા.
લોકવાયકા મુજબ, આરાસુરી અંબાજી ખાતે માતા સતીના દેહનો 'હૃદય'નો ભાગ પડ્યો હતો. હૃદય એ શરીરનું મુખ્ય કેન્દ્ર હોવાથી અંબાજીને તમામ શક્તિપીઠોનું 'કેન્દ્ર' અથવા 'આદ્યશક્તિ' માનવામાં આવે છે.
2. આરાસુર પર્વત પર પ્રાગટ્ય (પોષી પૂનમનું મહત્ત્વ)
લોકવાયકા મુજબ, મા અંબાનું પ્રાગટ્ય આરાસુર પર્વત પર થયું હતું. એવી માન્યતા છે કે મા અંબાએ અસુરનો સંહાર કરવા માટે આ પવિત્ર દિવસે અવતાર ધારણ કર્યો હતો.
પોષી પૂનમને માતાજીનો જન્મદિવસ (પ્રાગટ્ય દિવસ) માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે માતાજી સ્વયં ગબ્બર પર્વત પર પ્રગટ થયા હતા, તેથી જ આજે પણ પોષી પૂનમના દિવસે ગબ્બરથી જ્યોત લાવીને ઉત્સવ મનાવવામાં આવે છે.
3. ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી માન્યતા
એક લોકવાયકા એવી પણ છે કે ભગવાન શ્રીકૃષ્ણની ચૌલક્રિયા (બાબરી) અંબાજીના ગબ્બર પર્વત પર કરવામાં આવી હતી. પાંડવોએ પણ તેમના વનવાસ દરમિયાન મા અંબાની આરાધના કરી હતી અને માતાજીએ તેમને અજેય રહેવાના આશીર્વાદ આપ્યા હતા.
4. મૂર્તિ પૂજા નહીં, પણ 'યંત્ર'ની પૂજા
અંબાજી મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે ત્યાં કોઈ મૂર્તિ નથી. મંદિરમાં માતાજીના 'વિશ્વયંત્ર'ની પૂજા કરવામાં આવે છે.
લોકવાયકા એવી છે કે આ યંત્ર એટલું તેજસ્વી અને પવિત્ર છે કે તેની પૂજા કરતી વખતે પુજારીએ પણ આંખે પાટા બાંધવા પડે છે. ભક્તો આ યંત્રને માતાજીના તેજસ્વી સ્વરૂપ તરીકે પૂજે છે.
5. 'ગબ્બર' પર્વતનું રહસ્ય
મૂળ સ્થાનક ગબ્બર પર્વત માનવામાં આવે છે. લોકવાયકા મુજબ, ત્યાં માતાજીના અખંડ દીવાની જ્યોત સ્વયં પ્રગટ થઈ હતી. જે ભક્તો અંબાજી જાય છે, તેઓ ગબ્બરના દર્શન વગર પોતાની યાત્રા અધૂરી માને છે, કારણ કે ત્યાં માતાજીના પદચિહ્નો હોવાની પણ માન્યતા છે.
મા અંબાનું પ્રાગટ્ય એ શક્તિ અને ભક્તિનો સંગમ છે. 'પોષી પૂનમ' એ માત્ર તારીખ નથી, પરંતુ લાખો શ્રદ્ધાળુઓ માટે મા અંબાના ધરતી પરના આગમનનો આનંદોત્સવ છે.


