એમેઝોનનો ડીલીવરી બોય ૪૯ લાખના મોબાઇલ સહિતના પાર્સલ ચોરી પલાયન
ખાડીયા ગોળ લીમડા ખાતેના ડીસ્ટ્રીબ્યુરને ત્યાંથી ડીલીવરી બોયની કરતુત
નરોડાથી આવેલા કુલ ૧૭૧ પાર્સલ રીસીવ કરીને તેની ડીલીવરી કરવા નીકળ્યા બાદ પરત ન આવ્યો
અમદાવાદ,શુક્રવાર
એમેઝોન કંપનીના ડીસ્ટ્રીબ્યુટરને ત્યાં કામ કરતો ડીલીવરી બોય રૂપિયા ૪૯ લાખની કિંમતના ૧૬૪ મોબાઇલ ફોન અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ૧૭૧ જેટલા પાર્સલની ચોરી કરીને નાસી ગયો હોવાની ફરિયાદ ખાડિયા પોલીસ મથકે નોંધવામાં આવી છે. પોલીસે ટેકનીકલ એનાસીલીસના આધારે આરોપીને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરી છે.
શહેરના સેટેલાઇટમાં રહેતા શશીભુષણ દ્વિવેદી એમેઝોન કંપનીમાં સિક્યોરીટી અને લોસ વિભાગમાં નોકરી કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં પાર્સલનું વિતરણ કરવા માટે ડીસ્ટ્રીબ્યુટરની નિમણૂંક કરી હતી. જેમાં ખાડિયા ગોળલીમડા પાસે આવેલા વાય એસ ઓટોકેરના સલીમ મન્સુરીને પણ વિતરક બનાવાયા હતા. ગત ૧૪ જુલાઇના રોજ એમેઝોનના નરોડા સ્થિત ગોડાઉનથી લોડીંગ રીક્ષામાં ૧૭૧ જેટલા પાર્સલ ગોળલીમડા ખાતે પહોંચતા કરાયા હતા. જે પાર્સલની ડીલીવરી ગ્રાહકોને થઇ નહોતી. જેથી સલીમ મન્સુરીને ત્યાં જઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમને ત્યાં ડીલીવરી બોય તરીકે કામ કરતો મોંહમદ મન્સુરી પાર્સલ લઇને નીકળ્યો હતો અને સાંજના સમયે તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. આસ્ટોડીયામાં અબ્દુલવાડા સ્થિત તેના મકાન પર તપાસ કરતા તે મળી આવ્યો નહોતો.
તેણે જે પાર્સલની ચોરી કરી હતી તે ૧૭૧ પાર્સલ પૈકી ૧૨૯ પાર્સલમાં ૪૯ લાખની કિંમતના કુલ ૧૬૪ મોબાઇલ ફોન હતા. આ મોબાઇલ ફોન પૈકી ૨૨.૫૦ લાખની કિંમતના ૪૫ આઇફોન, ૧૫.૫૦ લાખની કિંમતના ૨૫ સેમસંગ ફોન હતા. તેમજ અન્ય પાર્સલમાં પણ કિંમતી મતા હતી. ખાડિયા પોલીસે આ અંગે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.