લેન્ડસ્લાઇડિંગ થતાં અમરનાથ યાત્રા અટકી, વડોદરાના યાત્રી સલામતઃ રાજસ્થાનની મહિલાનું મોત,3 લાપત્તા
વડોદરાઃ બાબા અમરનાથની યાત્રા દરમિયાન ગઇકાલે લેન્ડસ્લાઇડિંગ થવાથી ભારે અફરાતફરી મચી ગઇ હતી.એક મહિલાનું મોત નીપજ્યું છે.જ્યારે કેટેલાક લોકોને ઇજા થઇ છે.જો કે,વડોદરા અને આસપાસના યાત્રીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
અમરનાથ યાત્રામાં વડોદરાના ૧૦ હજાર થી વધુ ભક્તો બરફાની બાબાના દર્શનનો લાભ લેનાર છે.જેમાંથી અનેક ભક્તો હજી પણ યાત્રાના રૃટ પર તેમજ જમ્મુના જુદાજુદા ક્ષેત્રોમાં છે.
આ દરમિયાન ગઇ કાલે ભારે વરસાદને કારણે બાલતાલ રૃટ તેમજ ગુફાની નીચે લેન્ડસ્લાઇડિંગ થતાં ભારે અફરાતફરી મચી હતી.જેમાં રાજસ્થાનની સોનાબાઇ નામની મહિલાનું મોત નીપજ્યું છે.જ્યારે,ત્રણ જણા લાપત્તા હોવાનું ચંદનવાડી અને બાલતાલમાં ભંડારાની સેવા આપતા વડોદરાના મિલિન્દભાઇ વૈધે કહ્યું હતું.
આ દરમિયાન આર્મીએ અનેક લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડયા હતા અને મોટી જાનહાનિ અટકાવી હતી.આ બનાવમાં વડોદરાના ભક્તો સુરક્ષિત છે.ઉપરોક્ત બનાવ બાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.આજે ઉઘાડ નીકળ્યો છે.જો વાતાવરણ સારું રહ્યું તો આવતીકાલે યાત્રા યાત્રીઓના જથ્થાને રવાના કરવામાં આવશે.
12 ફૂટ જેટલું રહેતું શિવલિંગ 15 દિવસમાં જ ઓગળી ગયું
અમરનાથ યાત્રીઓ માટે વડોદરાની સંસ્થા દ્વારા ૨૯ વર્ષથી ભંડારો કરવામાં આવે છે.જેના સંચાલકે કહ્યું હતું કે,આ વખતે ૩ જુલાઇએ યાત્રા શરૃ થયા બાદ ૧૫ દિવસમાં જ બાબા અંતર્ધાન થઇ ગયા છે.અગાઉ ૧૨ થી ૧૫ ફૂટનું શિવલિંગ રહેતું હતું.પરંતુ ગ્લોબલ વોર્મિંગ,હેલિકોપ્ટરની અવરજવર, ગરમીનો પ્રકોપ જેવા કારણોસર ગુફા પાસેનું તાપમાન વધતાં શિવલિંગ ઝડપભેર પીગળી ગયું છે.આ માટે પર્યાવરણ પ્રેમીઓ અને સરકારે ગંભીરતાથી વિચારવું જોઇએ.