- શારીરિક-માનસિક ત્રાસ અને મહેણાં-ટોણાંથી કંટાળીને
- મૃતદેહનું અમદાવાદ સિવિલમાં પીએમ કરાવ્યા બાદ પોતાના ગામ પરસાતજ ખાતે અંતિમ સંસ્કાર કરાયા
નડિયાદ : મહેમદાવાદ તાલુકાના મોદજ ગામના અમરાપુરાની પરિણીતાએ પારિવારિક ત્રાસના કારણે ગળેફાંસો ખાઇ લઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પરિણીતાના પિયરિયાએ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં પાંચ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડા તાલુકાના પરસાતજ ગામના રામપુરામાં રહેતા રમેશભાઈ શનાભાઈ ગોહેલની દીકરી ઈલાબેનના લગ્ન આજથી ચાર વર્ષ પહેલા મહેમદાબાદ તાલુકાના અમરાપુરા ટેકરા વિસ્તાર ગામ મોદજના તુષારભાઈ ભુપતભાઇ ઝાલા સાથે થયા હતા. લગ્નની શરૂઆતમાં પતિ-પત્નીનું લગ્ન જીવન સુખમય હતું. બાદમાં ઈલાબેનના પતિ, સાસુ, સસરા, જેઠ, અને જેઠાણી ઘરના કામકાજ અને સંતાન ન થતું હોવા બાબતે ઈલાબેનને સતત મહેણાં-ટોણાં મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. તેમજ છ મહિના પહેલા તેમની દીકરી ઈલાબેનને તેનો પતિ મૂકીને જતો રહ્યો હતો. જેથી પિયરીયાએ સમજાવીને દીકરીને સાસરીમાં મોકલી હતી. ત્યારબાદ પણ તેમની દીકરી સાસરિયાના ત્રાસથી કંટાળી રિસાઈને પિયર ગઈ હતી ત્યારે ઇલાબેને તેની માતાને 'સાસરિયા ત્રાસ આપતા હોવાથી આપઘાતનો વિચાર આવે છે, તેઓ મને મારી નાખશે, તેમજ તેના જેઠ ખરાબ દાનતથી જોતા હોવાથી હવે સાસરીમાં જવું નથી' તેમ કહેતી હતી. આમ છતાં પિયરીયાએ પોતાની દીકરીનું લગ્નજીવન ટકાવી રાખવા સાસરીયાઓને ઈલાબેનને હેરાન ન કરવા સમજાવ્યા હતા અને પોતાની દીકરીને સમજાવી સાસરીમાં મોકલી હતી.
આ ત્રાસથી કંટાળીને ઈલાબેન (ઉં.વ.૨૦)એ તા.૧૩ ડિસેમ્બરે પોતાની સાસરિમાં રહેણાંક મકાનમાં છતના હુકના ભાગે સાડી વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે રમેશભાઈ સનાભાઇ ગોહેલની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે તુષારભાઈ ભુપતભાઈ ઝાલા, ભુપતભાઈ બુધાભાઈ ઝાલા, ગજરાબેન ભુપતભાઈ ઝાલા, અજય ભુપતભાઈ ઝાલા તેમજ આરતીબેન અજયભાઈ ઝાલા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી આદરી હતી.


