Get The App

તળાવનું પઝેશન કોનું એ જવાબ નથી છતાં ચંડોળા તળાવમાં રહેતા બાંગ્લાદેશી સિવાયના લોકોને EWS આવાસ ફળવાશે

તળાવની જગ્યામાં ૧૦ હજાર કાચા-પાકા ગેરકાયદે દબાણ યથાવત,૨.૫૦ લાખ ચોરસમીટર જગ્યામાં કામગીરી કરવાની બાકી ,ડ્રોન સર્વે કરવામાં આવ્યો

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
તળાવનું પઝેશન કોનું એ જવાબ નથી છતાં  ચંડોળા તળાવમાં રહેતા બાંગ્લાદેશી સિવાયના લોકોને EWS  આવાસ ફળવાશે 1 - image


અમદાવાદ,ગુરુવાર,8 મે,2025

દાણીલીમડા વોર્ડમાં આવેલા ચંડોળા તળાવની જગ્યાનું હાલમાં કોની પાસે પઝેશન છે એનો મ્યુનિ.તંત્રના અધિકારીઓ જવાબ આપતા નથી.તળાવની જગ્યામાં ૧૦ હજાર કાચા-પાકા ગેરકાયદે દબાણ યથાવત છે.૨.૫૦ લાખ ચોરસમીટર જગ્યામાં કામગીરી કરવાની બાકી છે. આમ છતાં તળાવની જગ્યામાં રહેતા બાંગ્લાદેશી સિવાયના લોકોનો સર્વે કરી ઈ.ડબ્લ્યુ. એસ. યોજના હેઠળ ૧ ડિસેમ્બર-૨૦૧૦ પહેલાથી રહેતા હોવાના પુરાવા રજૂ કરનારાને આવાસ ફાળવવા સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદની દરખાસ્ત મંજૂર કરાઈ છે.તળાવની જગ્યામાં બાકી રહેતા દબાણ દુર કરવાની કામગીરી ટૂંક સમયમાં શરુ કરાશે.

૧૧ લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા ચંડોળા તળાવની જગ્યામાં અંદાજે ચાર લાખ ચોરસમીટર જગ્યામાં ગેરકાયદેસર કાચા-પાકા બાંધકામ અને દબાણ કરાયા હતા. આ પૈકી ૧.૫૦ લાખ ચોરસમીટર જગ્યા ખુલ્લી કરી  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી આટોપી લેવામાં આવી હતી.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(એસ્ટેટ) રિધ્ધેશ રાવલે કહયુ,તંત્ર દ્વારા કરવામાં આવેલા ડ્રોન સર્વેમાં હજુ ૨.૫૦ લાખ ચોરસમીટર જગ્યામાં કામગીરી કરવાની બાકી છે.અગાઉ ડીમોલીશનની કામગીરી સમયે ચાર હજાર કાચા-પાકા બાંધકામના ગેરકાયદે દબાણ દુર કરાયા હતા. એક અંદાજ મુજબ ૧૫ હજાર લોકો તળાવની જગ્યામાં વસવાટ કરે છે.વર્ષ-૨૦૧૫માં અમદાવાદ કલેકટર દ્વારા તળાવની જગ્યામાં કરાયેલા સર્વેમાં ૮૫૦૦ લોકો વસવાટ કરતા હતા.તળાવની જગ્યાનું પઝેશન હાલમાં કોની પાસે છે એ અંગે તેઓએ જવાબ આપવાનુ ટાળ્યુ હતુ.તળાવની ચોકકસ કેટલી જગ્યા છે એ જાણવા કલેકટર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડીમાર્કેશનની કામગીરી શરુ કરવામાં આવી છે.

આવાસની ફાળવણી પહેલા પોલીસ વેરીફીકેશન કરાવાશે

ચંડોળા તળાવની જગ્યામાં હાલમાં ગેરકાયદે રહેતા લોકોને સ્વૈચ્છીક રીતે ઘરવખરી,માલસામાન લઈ જઈ સ્વૈચ્છાએ મકાન ખાલી કરવા  મ્યુનિ.તંત્રે સુચના આપવી શરુ કરી છે.તળાવની જગ્યામાં ગેરકાયદે રહેતા લોકો બાંગ્લાદેશી છે કે અ અંગે જાણવા પોલીસ વેરીફીકેશન કરવા ઉપરાંત સર્વે કરાવાશે.

ત્રણ લાખ કે તેથી ઓછી આવકનુ પ્રમાણપત્ર અને પુરાવા રજૂ કરવા પડશે

ચંડોળા તળાવની જગ્યામાં ૧ ડીસેમ્બર-૨૦૧૦ પહેલાથી રહેતા લોકોએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઈ.ડબલ્યુ.એસ. આવાસ યોજના હેઠળ બંધાયેલા આવાસ મેળવવા નિયત ફોર્મ ભરી વાર્ષિક આવક રુપિયા ત્રણ લાખ કે તેથી ઓછી હોવા અંગેનુ પ્રમાણપત્ર અને અન્ય જરુરી પુરાવા રજૂ કરવા પડશે.પુરાવાની ચકાસણી પછી પાત્રતા ધરાવતા લોકોને આવાસ ફળવાશે.

રાજય સરકાર ચંડોળા તળાવ પાણીથી ભરવા માંગે છે

 ચંડોળા તળાવની જગ્યામાં બે દિવસ ડીમોલીશન પછી કામગીરી આટોપી લેવાઈ હતી.અચાનક હવે મ્યુનિ.તંત્રે ફરીથી તળાવની જગ્યા ખાલી કરવા ડીમોલીશન કરાશે એવી જાહેરાત કરી છે. તળાવની જગ્યામાં રહેતા લોકોને પુરાવાની ચકાસણી પછી આવાસ ફાળવવા જાહેરાત કરાઈ છે. દરમિયાન મ્યુનિ.ના નાયબ મ્યુનિસિપલ કમિશનરે કહયુ, રાજય સરકાર ચંડોળા તળાવને પાણીથી ભરવા માંગે છે અને બ્યુટીફિકેશન કરવા માંગે છે તેથી તળાવની જગ્યામાં બંધાયેલા ગેરકાયદે બાંધકામ,દબાણને દુર કરવામા આવશે.

Tags :