સિવિલમાં ફિઝિયોથેરાપીની ઓપીડી ખાલી હતી છતા ઇન્ટર્ને દર્દીને કહ્યું, બહાર બેસો
- ઓ.પી.ડીમાં દર્દીને સારવાર આપવાને બદલે કેટલાક સિનિયર ડોક્ટરો ટેબલ ફરતે ગપ્પા મારે કે મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે
સુરત :
નવી સિવિલ હોસ્પિટલમાં ફિઝિયોથેરી વિભાગની ઓ.પી.ડીમાં આજે સવારે ખાલી ખમ હતી. છતાં તે ઓ.પી.ડીમાં ટ્રીટમેન્ટ લેવા ગયેલા દર્દીને ઇન્ટર્ન ડોક્ટરે બહાર બેસવા કહ્યું હતું. તે સમયે ત્યાં નજીકમાં સિનિયર ડોક્ટરો બેઠલા હોવા છતાં દર્દી સાથે યોગ્ય વર્તન કરવામાં આવતું નથી. જેના લીધે દર્દીઓ તકલીફ વેઠી રહ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી વિભાગની ઓ.પી.ડી અને ફિઝિયોથેરાપી કોલેજમાં ઓપીડીમાં ૩૦૦થી વધુ દર્દી સારવાર માટે આવ્યા હતા. જેમાં સૌથી વધુ કમરના દુઃખાવા, ઘૂંટણ, ગરદન, મગજન સહિતની તકલીફના દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. જ્યારે સિવિલના ફિઝિયોથેરાપી વિભાગની ઓ.પી.ડીમાં માત્ર એક બે દર્દી હતા એટલે ત્યાં ખાલીખમ જેવી હતી. તે સમયે દર્દી ટ્રીટમેન્ટ માટે ઓ.પી.ડીની અંદર આવી રહ્યા હતા. ત્યારે દરવાજા પાસે ટેબલ પર બેસેલી ઇન્ટર્ન ડોક્ટરે દર્દીને કહ્યું બહાર બેસો, જોકે ઓ.પી.ડી ખાલી હોવા છતાં બહાર બેસવાનું કહેતા દર્દી ચોકી ગયા હતા અને ત્યાં બેઠેલા એક સિનિયર ડોક્ટરે કહ્યું કે, ઓ.પી.ડીમાં દર્દીઓની ભીડ હોય, તો દર્દીને બહાર બેસા કહીએ છીએ, એવો ઉડાવ જવાબ આપ્યો હતો. ઓ.પી.ડી ખાલી હોવા છતાં આ સિનિયર ડોક્ટર યોગ્ય વાત કરતા નથી. જોકે આ ડોક્ટર અગાઉ પણ ઘણા દર્દીઓ સાથે યોગ્ય વર્તન કરતો ન હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી.
નોધનીય છે કે, નવી સિવિલમાં તમામ વિભાગના વડા, સહ પ્રાધ્યાપક, મદદનિશ પ્રાધ્યાપક ઓ.પી.ડીમાં સમય દરમિયાન દર્દી ચેકએપ કરીને સારવાર આપે છે. પણ કેટલાક વિભાગમાં વડા સહિતના ડોકટરો દર્દીની જરૃરી મુજબની સર્જરી પણ નિયમિત કરે છે. પણ સિવિલમાં ફિઝિયોથેરાપી ઓપીડી સિનિયર ડોક્ટરો કમ શિક્ષકો ટેબલને ફરતે ખુરશીમાં બેસે છે. પૈકી કેટલાક ડોક્ટરો દર્દીને યોગ્ય સારવાર આપવા કે ઇન્ટર્ન ડોક્ટરને સારવાર અંગેની જરૃરી માર્ગદર્શન આપવાને બદલે ખુરશી ઉપર બેસીને લાંબા સમય સુધી વાતચીત કરે અને મોબાઈલમાં વ્યસ્ત રહે છે. આ વિભાગમાં મોટા ભાગના ઇન્ટર્ન ડોકટરો અને વિધાર્થીઓ દર્દીઓને સારવાર આપતા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. જોકે સિવિલના અધિકારીઓ આ અંગે ગંભીરતા દાખવતા નથી, જેના લીધે એક-બે સિનિયર ડોકટરો દર્દી સાથે યોગ્ય વર્તન કરતા નહી હોવાની ફરીયાદ ઉઠવા પામી છે.