Get The App

પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો 1 - image

- હવે રોટલી-શાક પણ મોંઘાઃ ઘંઉ,તેલ,લીંબુથી માંડીને ગેસમાં ભાવ વધારો

- અસહ્ય ભાવ વધારો છતાં ધનિક નેતાઓનું રૂંવાટું ફરકતું નથી

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન રેકોર્ડબ્રેક વધ્યું છતાં તેલ ગત વર્ષથી રૂ।.600 મોંઘુ, ઘંઉનું ઉત્પાદન વધવા છતાં તેના પણ ઉંચા ભાવ

રાજકોટ : રાજકોટમાં પહેલેથી જ  મોંઘા ખાદ્યતેલોના ભાવમાં ત્રણ દિવસમાં જ વધુ રૂ।.૩૦થી ૮૦નો ભાવ વધારો તેલલોબીએ ઝીંકી  દેતા અને બીજી તરફ ઘંઉ,રસોઈ ગેસ સહિતના ભાવ પણ વધ્યા હોય ગુજરાતમાં રોટલી-શાક પણ હવે ગરીબો માટે મોંઘા થઈ ગયા છે. 

માત્ર ત્રણ દિવસમાં જ કપાસિયા અને પામતેલમાં રૂ।.૮૦, સિંગતેલમાં પહેલેથી જ વધારાયેલા ભાવમાં રૂ।.૩૦નો વધારો થતા સિંગતેલ રૂ।.૩૦૦૦, કપાસિયા રૂ।.૨૫૦૦ અને પામતેલ રૂ।.૨૩૦૦ની સપાટી નજીક પહોંચ્યા છે. આયાતી તેલની સાથે જેમાં ગુજરાત આત્મનિર્ભર છે અને આ વર્ષે મગફળીનું વિક્રમી ૬૦ લાખ ટનથી વધુ ઉત્પાદન થયું છે અને માંગ સ્થિર છે, પૂરવઠો પર્યાપ્ત છે છતાં ભાવ વધતા રહ્યા છે. 

આજે રાજકોટ તેલ બજારમાં સિંગતેલ રૂ।.૨૯૪૦-૨૯૯૦ના ભાવે સોદા પડયા હતા. ભાવ અસહ્ય વધતા પહેલા ૧૫ કિલો તેલ કરતા ૧૩ કિલો (૧૫ લિટર)ના ડબ્બાના ભાવ રૂ।.૨૭૦ ઓછા હતા જે હવે રૂ।.૩૦૦ ઓછા હોય છે. જ્યારે કપાસિયા વધીને રૂ।.૨૪૬૦-૨૪૯૦ અને પામતેલ વધીને રૂ।.૨૨૮૦-૨૨૮૫એ પહોંચ્યું છે. કપાસિયા-પામ સહિત સાઈડ તેલોના ભાવની પાછળ સિંગતેલ લોબી પણ સતત ભાવ વધારતી રહી છે. 

આ સાથે ઘંઉનું આ વર્ષે રવી સીઝનમાં વિક્રમી વાવેતરના પગલે ૪૯ લાખ ટન ઉત્પાદનનો અંદાજ છે જે અગાઉ વાર્ષિક સરેરાશ ૪૦ લાખ ટન કરતા ૮થી ૯ લાખ ટન વધારે છે. આમ છતાં તેના ભાવમાં પણ કોઈ રાહત મળી નથી. આ જ રીતે લીંબુની આવક ગત વર્ષની સાપેક્ષે વધારે હોવા છતાં તેના ભાવ પણ વધ્યા છે. તો રસોઈ કરવા માટેના ગેસના ભાવમાં પણ તાજેતરમાં વધારો કરાયો છે. આમ, મોંઘવારીનું ચક્ર ફરતું થયું છે જેમાં આમ નાગરિકો પીસાય છે પરંતુ, ધનિક નેતાઓ આ સામે કડક પગલા લેતા નથી.