ગુજસીટોકના ગુનામાં અલ્પુ સિંધી ગેંગના બુટલેગર કમલેશ ડાવરની ધરપકડ
Image Source: Freepik
ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ બૂટલેગર કમલેશ ડાવરની પોલીસે ધરપકડ કરી અન્ય સાગરીતોના સગડ મેળવવા તથા આવી પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત કરેલ બિનહિસાબી નાણાંની તપાસ હેતુ કોર્ટ પાસેથી આરોપીના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
વારસીયા પોલીસ સ્ટેશનમાં બુટલેગર અલ્પુ સિંધી ગેંગના 8 સાગરીતો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે આ ગુનામાં સંડોવાયેલ બૂટલેગર કમલેશ ઉર્ફે પપ્પુ વિનોદભાઇ ડાવર (રહે. વલ્લભ કોમ્પ્લેક્સ, પરિવાર ચાર રસ્તા, મૂળ રહે- મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી છે. આજરોજ પોલીસે કમલેશને કોર્ટમાં રજુ કરતા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાની દલીલો હતી કે, આરોપી બિનહિસાબી નાણાંનો હિસાબ રાજસ્થાનના ખેરવાડા ગામ ખાતે ઠાકુરસીંગ પાસે હોવાનું જણાવે છે. આરોપીના ઘરે ઝડતી સાથે ઉપયોગ કરેલ સીમકાર્ડ અને મોબાઈલ ફોનના સી.ડી.આર. આધારે તપાસ તથા મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરીની પ્રવૃતિમાં સંડોવાયેલ અન્ય શખ્સોની તપાસ કરવાની છે. આરોપીએ ભાગીદારીમાં રહી સ્થાવર તેમજ જંગમ મિલ્કત વસાવેલ છે કે કેમ? તે સબંધે તપાસ કરવા આરોપીની હાજરીની જરૂર છે. આરોપી વિરૂધ્ધ વડોદરા શહેર જિલ્લામાં હત્યાનો પ્રયાસ, રાયોટીંગ, આર્મસ્ એક્ટ , પ્રોહિબિશન સહિત 22 ગુના નોંધાયા છે. બે પાસા અને એક વખત તડીપાર કરવા છતાં તેની ગુનાહીત પ્રવૃતિ પર કોઇ અંકુશ નથી. કોર્ટે આગામી 30 મે સુધીના આરોપીના રિમાન્ડ મંજુર કર્યા હતા.