Gujarat Election: અલ્પેશ ઠાકોર દક્ષિણ ગાંધીનગર બેઠક પરથી લડશે ચૂંટણી
- આ બેઠક પર હાલમાં શંભુજી ઠાકોર ધારાસભ્ય છે અને તેઓ ત્રણ ટર્મથી આ બેઠક પરથી ચૂંટાઈ રહ્યા છે
ગાંધીનગર, તા. 14 નવેમ્બર 2022, સોમવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તમામ પાર્ટીઓ પોતાના ઉમેવારો જાહેર કરી રહી છે. ભાજપ પોતાના 166 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે. બાકીના 16 ઉમેદવારોના નામ હજુ જાહેર કરવાના બાકી છે ત્યારે હવે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, અલ્પેશ ઠાકોર દક્ષિણ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અલ્પેશ ઠાકોરને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણની બેઠક સોંપવામાં આવી હોવાની માહિતી મળી છે. આ બેઠક પર હાલમાં શંભુજી ઠાકોર ધારાસભ્ય છે અને તેઓ ત્રણ ટર્મથી આ બેઠક પરથી ચૂંટાઈ રહ્યા છે.
દક્ષિણ ગાંધીનગર બેઠક પર શંભુજી ઠાકોરનું પત્તુ કાપી અલ્પેશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોર બે દિવસ બાદ ઉમેદવારી પત્ર ભરી શકે છે. તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની યાદીમાં ગાંધીનગરની દક્ષિણ઼ બેઠક પર કોઈ જાહેરાત કરવામાં આવી ન હોતી. અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી શકે તેની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પણ નામ જાહેર થાય તે પહેલા જ ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરના વિરોધમાં બેનરો લાગ્યા હતા. અને વિરોધ વચ્ચે હવે અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી જ ચૂંટણી લડવા માટે ફોન આવી ગયો છે.