વડોદરાના પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવા 150થી વધુ વાહનોની ફાળવણી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ ઝોનમાં પાંચ વોર્ડમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવા 150 કરતાં વધુ વાહનો ફાળવવામાં આવ્યા છે. વોર્ડ નંબર 4,5,6,14 અને 15માં આ વાહનો ઉપયોગમાં લેવાશે. જેમાં 135 રેસિડેન્સીયલ રૂટ, 23 કોમર્શિયલ રૂટ કાર્યરત કરવામાં આવશે. જ્યારે કિચન વેસ્ટ માટે 7અને ધાર્મિક વેસ્ટ માટે 1 રૂટ ચાલુ કરવામાં આવશે. આમ,કુલ 166 રૂટ કાર્યરત કરાશે. કચરાના કલેક્શન માટે વધુ 30 ઈ-રીક્ષાનો ઉપયોગ કરવામાં આવશે. 15મી ઓગસ્ટે નવા વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. થોડા વખત અગાઉ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું કે ડોર ટુ ડોર કચરા કલેક્શન સિસ્ટમને ઇન્દોર અને સુરત પેટર્ન મુજબ વધુ કાર્યક્ષમ બનાવવામાં આવનાર છે.
શહેરના ચારેય ઝોનમાં કોઈપણ એકમ કચરા કલેક્શનમાં છૂટી ન જાય અને કલેક્શન સમયસર પૂર્ણ થાય તે માટેનું આયોજન કરવામાં આવેલ છે. રૂટ મેપિંગ કરી તે મુજબનો કલેક્શન રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સુસજ્જ વાહનો દ્વારા સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે તેનું મોનિટરિંગ કરાશે, અને રોજે રોજ વાહનોને ફાળવેલા રૂટ પૂર્ણ થતા તેની ખાતરી કરવા માટે રૂટ મુજબ પોઇન્ટ નક્કી કરવામાં આવશે. જેથી કલેક્શનની કાર્યક્ષમતા પણ વધારવામાં આવનાર છે. પૂર્વ ઝોન બાદ હવે બીજા ઝોનમાં પણ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે વધુ નવા વાહનોની ફાળવણી કરવામાં આવશે.