કલોલમાં નવા બનાવેલ સીસી રોડમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ
વર્ધમાનનગરના રોડની બનાવટમાં યોગ્ય માપ ન લેવાયું હોવાની રજૂઆત
કલોલ : કલોલ શહેરના મોટાભાગના માર્ગો તૂટી ગયા છે. નવા માર્ગ બનાવવામાં આવતા નથી અને જે બનાવાય છે તેમાં પણ ભલીવાર આવતો ન હોવાની બુમરાણ ઉઠી છે. કલોલના વર્ધમાન નગર વિસ્તારમાં તાજેતરમાં બનાવેલ સીસી રોડમાં ગેરરીતિ થયો હોવાનો આક્ષેપ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
નવા બનાવેલા રોડ પર કપચી ઉખડીને બહાર આવી
અરજદારે યોગ્ય તપાસ હાથ ધરવા માંગ કરી છે. કલોલમાં રોડ રસ્તાઓની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે. વખારીયા ચાર રસ્તાથી નંદલાલ ચોક સુધીના નવા બનાવેલા રોડ પર કપચી ઉખડીને બહાર આવી ગઈ છે. આ ઉપરાંત રોડમાં અનેક જગ્યાએ ખાડા પડી જતા તેને થીગડા મારવાની નોબત આવી હતી. આ રીતે જ તાજેતરમાં બગીચા ચાર રસ્તાથી રામ-બલરામ ફ્લેટ સુધી નવો સીસી રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડમાં ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યું છે. જેને પગલે અરજદારે કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ઈજનેરને પત્ર લખી નિરીક્ષણની માંગ કરી છે.
લંબાઈ,પહોળાઈ અને ઊંડાઈના માપમાં ગેરરીતિ
અરજદારના જણાવ્યા અનુસાર રોડની લંબાઈ,પહોળાઈ અને ઊંડાઈના માપમાં ગેરરીતિ થઈ હોવાનું જણાઈ આવ્યું છે. આ ઉપરાંત રોડ બનાવવાની કામગીરી દરમિયાન વપરાયેલ સામગ્રીમાં પણ ભ્રષ્ટાચાર થયો છે.જેને પગલે નાગરિકોના ટેક્સના નાણાંનો વ્યય ન થાય તે માટે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલ રોડનું નિરીક્ષણ કરી યોગ્ય રિપોર્ટ ના આવે ત્યાં સુધી પેમેન્ટ નહી કરવા અનુરોધ કરવામાં આવે તેવી માંગ થઇ છે.