ધારાસભ્ય વેકરીયાને તતડાવતા પાટિલનો કથિત ઓડિયો વાયરલ

કૌશિક..હવે તારી છાપ બગડતી જાય છે.. તો પછી તકલીફ પડશે : ઓડિયો ક્લીપમાં કૌશિકભાઈ સોરી કહીને જવાબ આપે છે- લીલીયાવાળુ શોર્ટઆઉટ કરાવી દીધું સાહેબ,અધિકારીઓને કહીને : અમરેલીના રાજકારણમાં ચકચારઃ દિલિપ સંઘાણી સહિત અનેક પાસે ઓડિયો વાયરલ : વેકરિયાનો ફોન નો-રિપ્લાય
રાજકોટ, : ચકચારી લેટર કાંડ અને પાટીદાર યુવતીની ગેરકાયદે અટકાયત-સરઘસના પ્રકરણથી વિવાદમાં રહેલા અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ કડક શબ્દોમાં ઠપકો આપી રહ્યાનો મનાતો એક ઓડિયો આજે વાયરલ થતા ભાજપના રાજકારણમાં ભારે ચકચાર જાગી છે.
આ ઓડિયો ક્લીપમાં પાટિલના અવાજમાં કૌશિક..તારી છાપ પહેલા સારી હતી પણ હવે ધીમે ધીમે બગડતી જાય છે..તુ સાચવશે નહીં તો તને ડેમેજ થઈ રહ્યું છે..તારા ત્યાં દુશ્મનો ઘણા બધા છે...હવે પછી ઈમેજ નહીં સુધરશે તો તકલીફ પડશે તને..તેમ કહીને ઠપકો અપાય છે.
શરૂઆતમાં ઓડિયોક્લીપમાં એવા શબ્દો સંભળાય છે કે 'કૌશિક મે તને ફોન કર્યો...પછી વોટ્સએપ કર્યો પણ તારો ફોન આવ્યો નહીં...સામે જવાબ અપાય છે-મારામાં તમારો ફોન હોય તો તો તમને આવી જાયને સાહેબ...બાદમાં કૌશિકભાઈ દ્વારા એવો જવાબ અપાય છે...સોરી સાહેબ...લીલીયાવાળુ મોકલ્યું હતું તે શોર્ટઆઉટ કરાવી દીધું છે...અધિકારીઓને કહીને ' કૌશિકભાઈને સામેથી એમ પણ કહેવાય છે- તમારા જિલ્લાનો કિલ્લો એક સાથે નથી પડતો, ધીમે ધીમે પડે છે...જો તુ આ રીતે ધ્યાન નહીં ઓ તે તમારા વિસ્તારમાં મૂશ્કેલી પડશે.
આ ઓડિયો ક્લીપની વાતચીતને વેરીફાઈ કરવા માટે ધારાસભ્ય કૌશિક વેકરીયાનો ફોન પર સંપર્ક સાધતા તેમણે ફોન રિસીવ કર્યો ન્હોતો. જ્યારે આ અંગે અમરેલીના ભાજપના વરિષ્ઠ નેતા દિલિપ સંઘાણીનો સંપર્ક સાધતા તેમણે પોતે દિલ્હી હોવાનું પણ આવા કથિત ઓડિયોની વાત જાણવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેમણે બે મોટા માણસો વાતચીત કરે તે લીક કઈ રીતે થાય તે સવાલ પણ ઉઠાવ્યો હતો.








