વેજલકામાં આવાસ યોજનાની યાદીમાંથી બે અરજદારના નામ રદ્દ થયાનો આક્ષેપ
ગ્રામ પંચાયત અને તલાટીને લાંચ નહીં આપતા
ગ્રામ પંચાયતના હોદ્દેદારો, તલાટી સામે કાર્યવાહી કરવા અરજદારોની કલેક્ટર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત
સુરેન્દ્રનગર - ચુડા તાલુકાના વેજલકામાં ગ્રામ પંચાયત અને તલાટીને લાંચ નહીં આપતા આવાસ યોજનાની યાદીમાંથી બે અરજદારના નામ રદ્દ થયા હોવાનો આક્ષેપ અરજદારોએ કરી છે. જે અંગે ગ્રામ પંચાયતના હોદ્દેદારો, તલાટી સામે કાર્યવાહી કરવા અરજદારોની કલેક્ટર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
ચુડા તાલુકાના વેજલકા ગામે રહેતા ઘનશ્યામભાઈ નાગજીભાઈ સોલંકી અને નાગરભાઈ જાદવજીભાઈ સોલંકીના નામ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં યાદીમાં આવી ગયા હતા પરંતુ ગ્રામ પંચાયત દ્વારા અને તલાટી કમ મંત્રી દ્વારા અંગત મનુદુઃખ રાખી આવાસ યોજનાનો લાભ લેવા માટે અરજદારો પાસે રૃા.૧૦-૧૦ હજારની માંગણી કરી હોવાનો અરજદારોએ આક્ષેપ કર્યો છે. તેમજ માંગણી મુજબની રકમ ન આપતા બન્ને લાભાર્થીઓના નામો પ્રધાનમંત્રી આવાસ યોજાનાની યાદીમાંથી રદ્દ કરી દીધા છે.
આ નામો શા માટે અને કેવી રીતે રદ્દ થયા તેની માહિત મેળવવા માટે આર.ટી.આઈ.એક્ટ હેઠળ માહિતી માંગી હોવા છતાં વેજલકા ગ્રામ પંચાયત દ્વારા અરજદારોને કોઈ જ જવાબ ન આપતા પ્રથમ અપીલ દાખલ કરી હતી જેના જવાબમાં પત્રો દ્વારા બંને અરજદારાનું ઓનલાઈન લીસ્ટમાં અપાત્રતા ધરાવતાની લાભાર્થીઓની યાદીમાં નામ દર્શાવેલ છે અને પાકું મકાન હોવાનું પણ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજુ બંને અરજદારો છેલ્લી બે પેઢીથી કાચા ચણતરવાળા જુના મકાનમાં રહે છે. બંને અરજદારો સાથે ગ્રામ પંચાયત અને તલાટી દ્વારા ષડયંત્ર રચી લાંચના રૃા.૧૦-૧૦ હજાર નહિં ચુકવતા આવાસ યોજનામાંથી નામો રદ્દ કર્યા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.