Gujarat

જુનાગઢ નજીક લીમધ્રાથી ઈટાળી વચ્ચે નદી પરના બ્રિજનો પાયો જોખમી હોવાના આક્ષેપ

By GS TEAM
9 Jul 20252 mins read
જુનાગઢ નજીક લીમધ્રાથી ઈટાળી વચ્ચે નદી પરના બ્રિજનો પાયો જોખમી હોવાના આક્ષેપ

સ્થાનિકોએ વીડિયો ઉતારી ગંભીરતા તંત્રનાં ધ્યાને મુકી વંથલીના ધંધુસર- રવની- છત્રાસા બ્રિજ જોખમી હોવાથી ભારે વાહનો પર પ્રતિબંધ મુકાવાની શક્યતા

જૂનાગઢ, : આણંદ પાસે બ્રિજ તુટવાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તપાસ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લામાં પણ  બ્રિજની મજબુતી અંગેની ખરાઈ કરવા તંત્રના અધિકારીઓ દોડધામ કરતા હતા. વિસાવદર તાલુકાના લીમધ્રાથી ઈટાળી વચ્ચે થોડા વર્ષ પહેલા બનાવેલો બ્રિજનો પાયો નબળો પડી ગયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. હજુ સુધી તંત્રના અધિકારીઓને આ અંગેની ગંભીરતા ધ્યાન પર આવી નથી. રાજ્ય માર્ગ મકાન વિભાગ હેઠળના રસ્તાઓ પર આવેલા બ્રિજની સમગ્ર જીલ્લામાં તપાસ કરવામાં આવી હતી. વંથલી તાલુકાના ધંધુસર-રવની-છત્રાસા રોડ પર આવેલો બ્રિજ જોખમી છે. ગત વર્ષે તેને રિપેર કરવામાં આવ્યો હતો. આજની દુર્ઘટના બાદ ફરીવાર તંત્રના અધિકારીઓ સ્થળ પર તપાસ અર્થે ગયા હતા. આ બ્રિજને નવો બનાવવા માટેની દરખાસ્ત પણ સરકારમાં કરવામાં આવી છે. જોખમી બનેલા બ્રિજ પર ભારે વાહનો ચલાવવા માટે પ્રતિબંધ મુકવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જૂનાગઢ જીલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓના બ્રિજની પણ તપાસ કરવામાં આવી છે.

વિસાવદર તાલુકાના લીમધ્રાથી ઈટાળી તરફ જતા રસ્તા પરની નદી પર મોટો બ્રિજ ત્રણ-ચાર વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે. આણંદ નજીક બનેલી દુર્ઘટના બાદ સ્થાનિકો દ્વારા લીમધ્રાના બ્રિજની ખરાઈ કરવામાં આવી હતી ત્યારે બ્રિજનો પાયો જોખમી બની ગયો હોવાનો વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. આ બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ ઉઠયા છે.