- ધ્રાંગધ્રા પંથકમાં પાવરગ્રીડ કંપનીની દાદાગીરી
- ખેતરમાં આડેધડ કામ કરતા ઉભા પાકને નુકસાન : કંપની સામે કાર્યવાહી કરવા રજૂઆત
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના કંકાવટીમાં પુરતુ વળતર ચુકવ્યા વગર પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ દાદાગીરી કરી કામ કરતી હોવાનો આક્ષેપ ખેડૂતો લગાવ્યો છે. કંપનીના કર્મચારીઓ ખેતરમાં આડેધડ કામ કરતા ઉભા પાકને નુકસાન પહોંચાડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતોએ કંપની સામે કાર્યવાહી કરવા રજૂઆત તંત્રને રજૂઆત કરી છે.
ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના ખેડૂતો દ્વારા પાવરગ્રીડ કંપનીની દાદાગીરી સામે પ્રાંત અધિકારી, મામલતદાર તથા પોલીસ વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ વગર પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ ખેડૂતોના ખેતરમાં વળતર ચૂકવ્યા વગર ગેરકાયદે ઘૂસી વીજપોલ અને વીજ વાયર નાખવાનું કામ શરૂ કરી રહ્યા છે તેને પોલીસ પ્રોટેક્શન આપી રહી હોવાનું જણાવ્યું હતું. આથી જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ વગર કંપનીના કર્મચારીઓને પોલીસ પ્રોટેક્શન નહીં આપવા તથા કંપનીના કર્મચારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે ધાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર તથા તાલુકા પોલીસને આવેદન પત્ર પાઠવ્યું હતું.
ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તાજેતરમાં વાવડી ગામના ખેડૂતે કોર્ટમાં કેસ દાખલ કરી હાલ પુરતો સ્ટે લઇ આવી છે તેમ છતાં કંપનીના કર્મચારીઓ કોર્ટ આદેશની અવગણના કરી પોલીસ પ્રોટેક્શમાં કામ શરૂ કર્યું છે.


