Gujarat

ઠાસરા-ગળતેશ્વર તાલુકામાં આંગણવાડીના કામોમાં વ્યાપક ગેરરીતિના આક્ષેપ ઉઠયાં

By GS TEAM
11 Mar 20262 mins read
ઠાસરા-ગળતેશ્વર તાલુકામાં આંગણવાડીના કામોમાં વ્યાપક ગેરરીતિના આક્ષેપ ઉઠયાં

- જિલ્લા વિકાસ અધિકારીના વહીવટ સામે સવાલ

- ટેન્ડર પ્રક્રિયા વિના જ રિપેરિંગ અને નવીન કામોમાં માર્ગ-મકાન વિભાગના અધિકારીઓની મિલીભગત

ડાકોર : ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં આંગણવાડીઓના નિર્માણ અને રિપેરિંગના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીના નબળા વહીવટને કારણે તપાસનો ફિયાસ્કો થયો હોવાના આક્ષેપ સાથે જાગૃત સરપંચે મીડિયા સમક્ષ બોગસ કામગીરીના પુરાવા રજૂ કરતા વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં કુલ ૩૦ જેટલી આંગણવાડીઓના રિપેરિંગ અને નવીન બાંધકામમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. આક્ષેપ મુજબ, જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના ઠાસરાના અધિકારીઓની સાઠગાંઠથી કોઈપણ જાતની ટેન્ડર પ્રક્રિયા કે જાહેરાત વિના જ માનીતી એજન્સીઓને કામ સોંપી દેવામાં આવ્યા હતા. એક આંગણવાડી દીઠ આશરે રૂ. ૨ લાખ જેટલો રિપેરિંગ ખર્ચ ઉધારીને ખોટા બિલો પાસ કરાવી લેવામાં આવ્યા છે.

અગાઉ આ મામલો મીડિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને લાવવામાં આવ્યો હોવા છતાં, કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. જોકે, ઠાસરા તાલુકાના સરપંચ રવિભાઈ જોશીએ તેમના વિસ્તારમાં આવતી વિશ્રામપુરા આંગણવાડીમાં થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે. માત્ર ૮ મહિના પહેલા બનેલી નવીન આંગણવાડીની કમ્પાઉન્ડ વોલ અત્યારથી જ તૂટી ગઈ છે અને ઈમારતમાં મોટી તિરાડો પડી ગઈ છે.

સાંઢેલી ગામના સરપંચ રવિભાઈ જોશીએ આક્ષેપ કર્યો છે કે, હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને નિર્દોષ ભૂલકાઓના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે. ૬૫થી ૭૦ જેટલા બાળકો જ્યાં અભ્યાસ અર્થે આવતા હોય ત્યાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની આવી લાપરવાહી સહન કરવામાં આવશે નહીં. હાલમાં આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પ્રબળ બની છે.