Gujarat

સમય મર્યાદા પૂરી થયા પછી 80 જેટલા વિદ્યાર્થીઓને ફી ભરવાની લિન્ક મોકલાઈ

By GS TEAM
24 Jun 20252 mins read
સમય મર્યાદા પૂરી થયા પછી 80 જેટલા વિદ્યાર્થીઓને ફી ભરવાની લિન્ક મોકલાઈ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયની પ્રવેશ કાર્યવાહીમાં વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે.જે પ્રમાણે ફી ભરવા માટે નિર્ધારિત સમય મર્યાદા પૂરી થઈ ગયા બાદ ૮૦ વિદ્યાર્થીઓને ફી ભરવા માટેની ઓનલાઈન લિન્ક કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોએ મોકલી હતી.

 વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ આ મુદ્દે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પાંચ થી ૬ કલાક સુધી ધરણા પણ કર્યા હતા.જેમાં એક વિદ્યાર્થી બેહોશ થઈ જતા તેને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી.

એનએસયુઆઈનું કહેવું છે કે, એફવાયના પહેલા રાઉન્ડમાં ૬૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો.તેમને ફી ભરવા માટે ત્રણ દિવસની મુદત અપાઈ હતી.આ દરમિયાનમાં કોઈને કોઈ કારણસર ૧૧૦૦ વિદ્યાર્થીઓ ફી નહોતા ભરી શકયા.જેમને બીજી તક આપવાનો કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.જે કે પંડયાએ ઈનકાર કરી દીધો હતો.પરંતુ ૮૦ જેટલા  વિદ્યાર્થીઓ એવા હતા જેમને સમય મર્યાદા પૂરી થયા બાદ ગૂપચૂપ ફી ભરવા માટે લિન્ક મોકલવામાં આવી હતી.

ટેકનિકલ ખામીના કારણે ફી નહીં ભરી શકનારાઓને તક અપાઈઃ ફેકલ્ટી ડીન 

કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.જે કે પંડયાએ કહ્યું હતું કે, ટેકનિકલ ખામીના કારણે અથવા તો  વ્યાજબી કારણસર ફીના ભરી શક્યા હોય તેવા વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ફેકલ્ટીને વિનંતી કરવામાં આવી હતી.આ બાબતે નિર્ણય લેવા યુનિવર્સિટી સ્તરની એક કમિટિ બનાવવામાં આવી હતી.કમિટિએ લીલી ઝંડી આપ્યા બાદ પહેલા રાઉન્ડમાં ૮૦ જેટલા અને બીજા રાઉન્ડમાં પણ ફી નહીં ભરી શકનારા ૫૦ જેટલા વિદ્યાર્થીઓને ફી ભરવા માટે પાછળથી લિન્ક મોકલવામાં આવી હતી.આ તમામ વિદ્યાર્થીઓના નામ પ્રવેશની યાદીમાં છે.