વલ્લભીપુર પાલિકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામમાં મોટા ગોટાળાના આક્ષેપ
- વર્ષ 16-17 થી લાગુ પડેલ યોજનામાં લોલમલોલ !
- 468 આવાસની અરજી સામે ૫૬ સામેના પ્રશ્નો ઉઠયા, 38 લાભાર્થીની તપાસ શરૂ
મળતી વિગતો મુજબ ઘર વિહોણા જરૂરીયાતમંદ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ખુલ્લા પ્લોટમાં મકાન ચણવા ૩.૫૦ લાખની મર્યાદામાં તબક્કાવાર હપ્તા પદ્ધતિથી રકમ ચુકવવામાં આવે છે જેના નિયમો અને શરતો મુજબ લાભાર્થીને નિયત સોગંદનામુ રજૂ કરવાનું હોય છે. આ યોજના વલ્લભીપુર ખાતે વર્ષ ૧૬-૧૭થી અમલી બની છે અને કુલ ૪૬૮ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લેવા એપ્લાય થયા હોવાનું જણાયું છે. જો કે, હાલ ૩.૫૦ લાખની મર્યાદા વધારી ૪ લાખ કરાઇ છે. એક તબક્કે વલ્લભીપુર નગરપાલિકાના વિપક્ષ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરના ભુવા ને ઘરના ડાકલા જેવી સ્થિતિ હોવાનું જણાવી ખોટા સોગંદનામા, અન્ય મકાનો હોવા છતાં યોજનાકીય લાભ મેળવાતો હોવાના તેમજ મકાનનું કોઇ ચણતર કામ કર્યાં વગર હપ્તાની રકમ ભાગબટાઇ થતી હોવાના ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે. જો કે, આ ફરિયાદો અગાઉ પણ થયેલ હોય જેના પગલે પ્રાદેશિક કમિશનર વડી કચેરીથી તપાસના આદેશો છૂટયા હતા અને ૫૬ જેટલી અરજી શંકાના પરીધમાં આવી હતી જેમાની ૧૮ અરજી યોગ્ય જણાઇ છે તો ૩૮ અરજીમાં તપાસ હજુ શરૂ હોવાનું પણ સામે આવ્યું છે. જો કે, મહદઅંશે તાજેતરમાં ૧૦૦ અરજી માન્ય કરાઇ છે તેમાં પણ ગોલમાલ અને ભાગબટાઇની નીતિ અપનાવાઇ હોવાના વિપક્ષે આક્ષેપો કર્યા છે ત્યારે ખરેખર જરૂરીયાતોને યોજનાકીય લાભથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.