Gujarat

લખતરમાં ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ

By GS TEAM
3 Jan 20262 mins read
લખતરમાં ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ

- સર્વરના ધાંધિયાના કારણે ખેડૂતોના સ્લોટ જ બુક થતાં નથી

- વેપારીઓ બહારગામથી આવતા ખેડૂતો પાસેથી કપાસ ખરીદી ટેકાના ભાવે વેચાણ કરતા હોવાની રાવ

લખતર : લખતર તાલુકામાં સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે કપાસની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ વ્યવસ્થામાં અનેક ક્ષતિઓ અને મોટાપાયે ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ઉઠતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત ખેડૂત એકતા મંચ દ્વારા આ મામલે લખતર મામલતદારને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, ખેડૂતોએ મહિનાઓ પહેલા રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં સ્લોટ બુકિંગ થતું નથી. સ્લોટ બુકિંગનું સર્વર મહિનામાં માત્ર બે વાર, તે પણ મોડી રાત્રે અથવા સાંજે ગણતરીની મિનિટો માટે ખુલે છે. ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા અને જાણકારીના અભાવે સામાન્ય ખેડૂતો વંચિત રહી જાય છે, જેનો સીધો લાભ લેભાગુ તત્વો ઉઠાવી રહ્યા છે.

સ્થાનિક વેપારીઓ ખેડૂતો પાસેથી નીચા ભાવે કપાસ ખરીદી લે છે અને ત્યારબાદ ખેડૂતોના નામે બોગસ રજિસ્ટ્રેશન કરાવી ટેકાના ભાવે વેચાણ કરે છે. આ પ્રક્રિયામાં તલાટીઓ દ્વારા ખોટા વાવેતરના દાખલા આપવામાં આવતા હોવાની અને કેન્દ્રના અધિકારીઓની મિલીભગત હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. વેપારીઓ દરરોજ પોતાના વાહનો ભરીને ટેકાના ભાવે માલ ખાલી કરી મોટી રકમ મેળવી રહ્યા છે, જ્યારે સાચા ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. ખેડૂત એકતા મંચે માંગ કરી છે કે આ સમગ્ર કૌભાંડની તપાસ કરી સ્લોટ બુકિંગની વ્યવસ્થા સરળ બનાવવામાં આવે જેથી ખેડૂતોને તેમના પાકનું વ્યાજબી વળતર મળી રહે.