કોમર્શિયલ બિલ્ડીંગના પ્લાનની મંજૂરીમાં ગેરરીતિનો આક્ષેપ
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર આવેલા
છેલ્લા 2 વર્ષમાં ઈમ્પેક્ટમાં એક પણ પ્લાન મંજૂર થયો નથી ઃ ગેરરીતિ આચરી ખોટા સહિ સિક્કા કર્યા હોવાનું અનુમાન
પાલિકાના પૂર્વ સદ્દસ્યએ મનપા કમિશનરને રજૂઆત કરી તપાસની માંગ કરી
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરમાં રીલાયન્સ ટ્રેન્ડસની સામે નવકાર ફલેટની બાજુમાં અનોપચંદભાઈ શાહનું સુખ-શાંતિ નામનું રહેણાંક મકાન વર્ષ ૨૦૨૩ સુધી હતું. જેનો તેઓ રહેણાંક તરીકે હાઉસટેક્ષ પણ ભરપાઈ કરતા હતા પરંતુ ત્યારબાદ આ મકાન પાડીને ત્યાં ત્રણ માળનું કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે જેમાં પ્લાનના નિયમ મુજબનું માર્જીન કે કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી તેમજ બીયુ પરમીશન પણ મેળવેલ નથી.
આ ઉપરાંત ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળમાં નવું બાંધકામ કરીને તેને બેન્ક ઓફ બરોડાને લીઝ પર આપી દેવામાં આવ્યું છે. જ્યારે બેન્કમાં બાંધકામ પ્લાન ઈમ્પેક્ટમાં નિયમ મુજબ મંજૂર થયું હોવાનું રજુ કરવામાં આવ્યો છે પરંતુ છેલ્લા બે વર્ષમાં નગરપાલિકામાં ઈમ્પેક્ટમાં એક પણ પ્લાન મંજૂર થયો નથી છતાં જો મંજૂર કરવામાં આવ્યો હતો તો પાલિકા તંત્ર દ્વારા ગેરરીતિ આચરી હોવાનું અથવા મંજૂર પ્લાનમાં ખોટા સહિ સિક્કા કર્યા હોવાનું જણાઈ આવે છે.
જ્યારે જગ્યાના બીયુ પરમીશન વગર બેન્કની કામગીરી શરૃ કરી દેવમાં આવી છે આથી આ કૌભાંડમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ બેન્કના વકીલ સહિતના કર્મચારીઓની સંડોવણી છે કે કેમ ? બેન્કમાં જે પ્લાન રજુ કર્યો છે તે સાચો છે કે ખોટો તેની પણ તપાસ બેન્ક દ્વારા કરવામાં આવી નથી. જ્યારે બાંધકામની બાજુની દિવાલ પર સીટી સર્વે મુજબ શક્તિસિંહ ઝાલાએ બનાવેલ દુકાનો અને મહાનગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યા છે આમ એક જ દિવાલ પર બે ગેરકાયદેસર બાંધકામમાં એકને સીલ મારવામાં આવ્યું છે જ્યારે બેન્ક ઓફ બરોડાને નોટિસ પણ ફટકારવામાં આવી નથી ત્યારે આ સમગ્ર મામલે તટસ્થ અને પારદર્શક તપાસ કરવામાં આવે તો નકલી પ્લાન મંજૂરીનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે આથી આ મામલે કડક કાર્યવાહી અને તપાસ કરવાની માંગ સાથે નગરપાલિકાના પૂર્વ સદ્દસ્ય ઈબ્રાહીમભાઈ મુસાભાઈ મમાણીએ મનપા કમિશનરને લેખિત રજુઆત કરી છે.