Gujarat

ઠાસરામાં 24 લાખના ખર્ચે રોડ, ગટરના કામમાં ગેરરીતિનો આક્ષેપ

By GS TEAM
21 Jun 20252 mins read
ઠાસરામાં 24 લાખના ખર્ચે રોડ, ગટરના કામમાં ગેરરીતિનો આક્ષેપ

- શહેરમાં ગંદકીથી નર્કાગારની સ્થિતિ અંગે રજૂઆત

- સી.પી. ઈન્ફા એજન્સીને ટેન્ડરથી કામ અપાયું  વિરોધ કરી સ્થાનિકોએ ગટરનું કામ બંધ કરાવ્યું

ડાકરો : ઠાસરા શહેરમાં રૂા. ૨૪ લાખના ખર્ચે રોડ અને ગટરના કામમાં સી.પી. ઈન્ફા એજન્સી દ્વારા ગેરરીતિ કરાતી હોવાના આક્ષેપ સાથેની રજૂઆત મુખ્ય સચિવને કરાઈ છે.

અરજદારે વિકાસના કામોમાં ગેરરીતિના આક્ષેપ સાથે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ઠાસરા શહેરને તાલુકાનો દરજ્જો અપાયો છે. ત્યારે તમામ વિસ્તારોમાં ગંદકી, કચરાના ઢગલાં સાથે ઠાસરા શહેર નર્કાગારમાં ફેરવાઈ રહ્યું છે. 

ઠાસરા પાલિકાના સભ્યો કોન્ટ્રાક્ટર બની બેઠા હોવાથી વિકાસના કામોમાં વ્યાપક ગેરરીતિ જોવા મળી રહી છે. ઠાસરાનો મુખ્ય માર્ગ બનાવવા અને ગટરનું કામ કરવા સી.પી. ઈન્ફા એજન્સીને ૨૪ લાખનું ટેન્ડર લાગ્યું હતું. ત્યારે એજન્સી દ્વારા સીસી રોડ બનાવ્યાના ચાર દિવસમાં કપચી ઉડવા માંડી છે. આ એજન્સી દ્વારા ગટરના કામમાં ગેરરીતિ કરાતી હોવાથી વિસ્તારના રહીશોએ વિરોધ કરી કામ બંધ કરાવી દીધું છે. 

આ અંગે ઠાસરાના ચીફ ઓફિસરને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ મળતું નથી. ત્યારે આ અંગે ગુજરાતના મુખ્ય સચિવ સહિત પાલિકાને લગતી તમામ કચેરીને ફરિયાદ કરાઈ છે.  આ અંગે ઠાસરાના ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડે જણાવ્યું છે કે, નગરના રસ્તા ગટરના પ્રશ્ન અંગે મારી પાસે રજૂઆત આવી નથી. 

ઠાસરા પાલિકાના સભ્યો કામ કરી રહ્યા હોવાના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું છે કે, અમે એજન્સીને કામ આપ્યું છે. એજન્સી જેની પાસે કરાવે તે જાણ ન હોય.