માંડલના દાલોદ ગામમાં
પાયા વિના જ પાઈપો ગોઠવી કામ પૂર્ણ કરવાનો પ્રયાસ ઃ તપાસ ન થાય ત્યાં સુધી બિલની ચુકવણી રોકવા માંગ
માંડલ - માંડલ તાલુકાના દાલોદ ગામે છેલ્લા એક મહિનાથી તાલુકા પંચાયતના વર્ક ઓર્ડર આધારે ગ્રામ પંચાયત દ્વારા નાળાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ આ કામ એસ્ટીમેન્ટ મુજબ તથા ચોક્કસ ગુણવત્તાવાળું ન હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.
દાલોદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ કિશન સેંધવે તા. ૧૭ ડિસેમ્બરે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી તપાસની માંગ કરી હતી, છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થતા નારાજગી ફેલાઈ છે.
દાલોદ ગામના દરબાર સમાજના સ્મશાન તરફ જવાના રસ્તે ૨૦૨૦/૨૧ની ગ્રાંટમાંથી રૃ. ૫ લાખના ખર્ચે નાળાનું કામ મંજુર કરાયું છે. ઉપસરપંચે જણાવ્યું કે નાળામાં પાઈપોમાં સીમેન્ટના વાટા કરાયા નથી, દિવાલનું ખોદકામ થયું નથી અને પાયા વગર સીધા પાઈપ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં તપાસ કર્યા વગર બિલ અને પેમેન્ટ મંજૂર ન કરવા માંગ ઉઠી છે. હવે તાલુકા તંત્ર યોગ્ય તપાસ કરી ગુણવત્તાવાળું કામ કરાવશે કે કેમ તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે.


