Get The App

ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી ભાડાપટ્ટે આપી દીધી હોવાનો આક્ષેપ

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી ભાડાપટ્ટે આપી દીધી હોવાનો આક્ષેપ 1 - image

નડિયાદના મોગલ કબ્રસ્તાન ટ્રસ્ટમાં ગેરરીતિ મામલે રજૂઆત 

રાજ્ય વકફ બોર્ડ, જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી 

નડિયાદ: નડિયાદમાં આવેલા મોગલ કબ્રસ્તાન ટ્રસ્ટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો કરાઈ રહ્યાં છે. ટ્રસ્ટના વર્તમાન પ્રમુખ સહિતના હોદ્દેદારોએ વકફ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરીને ટ્રસ્ટની મિલકતનો દૂરુપયોગ કરી ટ્રસ્ટની જમીન પર ગેરકાયદે બાંધકામ કરી ભાડાપટ્ટે આપી દીધી હોવાના આક્ષેપો સાથેની જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ અને જવાબદાર તંત્ર આ મામલે તપાસ કરી કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. 

નડિયાદમાં મોગલ કબ્રસ્તાન ટ્રસ્ટની મિલકતની જમીનના ગેરકાયદે ઉપયોગ અને ગેરવહીવટ મામલે જુનેદખાન પઠાણે ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ, મોગલ કબ્રસ્તાન ટ્રસ્ટના હોદ્દેદારો - રસીકભાઈ વજીરભાઈ પાનવાલા (રહે. એવરેસ્ટ કોલોની) અને અન્ય હોદ્દેદારો - સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે. આ ટ્રસ્ટની મિલકત અંગે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ, ગાંધીનગર ખાતે ઉપલબ્ધ રેકોર્ડ મુજબ નડિયાદના મોગલ કબ્રસ્તાન ટ્રસ્ટનું નામ રજિસ્ટર - ૧૯૮૮ થયેલું છે. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આજદિન સુધી વકફ બોર્ડ, ગાંધીનગર ખાતે કોઈ પણ પ્રકારના દસ્તાવેજી પુરાવા પૂરા પાડવામાં આવ્યા નથી તેમજ ટ્રસ્ટમાં કોઈ પણ જાતનું ફેરફાર થયેલ નથી. 

આ અંગે વધુમાં જણાવાયું છે કે, વર્તમાન પ્રમુખ રસીકભાઈ પાનવાલાએ ગેરરીતિ આચરીને પોતાને મોગલ ટ્રસ્ટના પ્રમુખ બનાવી દીધા છે અને તેઓ જાતે જ વકફની મિલકતનો વહીવટ સંભાળી રહ્યા છે. ગુજરાત વકફ બોર્ડનું પ્રમાણપત્ર યોગ્ય રીતે તપાસતા રસીકભાઈ પાનવાલા તેમાં ટ્રસ્ટી ન હોય, તો ખોટા લાભો ઊઠાવતા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ટ્રસ્ટની જમીન પર વકફ બોર્ડની પૂર્વ પરવાનગી વગર બાંધકામ કરીને ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી તરીકેના હોદ્દેદાર દ્વારા જ ભાડાપટ્ટે આપી દેવામાં આવ્યું છે. 

આ મિલકતની પશ્ચિમ બાજુએ આવેલી જમીનના ભાગમાં પાકી દુકાનો બનાવીને ગેરકાયદેસર રીતે ભાડૂતોને રહેવાટ માટે આપી દેવાઈ છે. આ તમામ ગેરકાયદેસર કૃત્યોને કારણે ટ્રસ્ટની મિલકતની આવકને નુકસાન પહોંચ્યું છે અને વકફની મિલકતના દૂરુપયોગની બાબત સામે આવી છે. નડિયાદ નગરપાલિકા અને વકફ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરીને ટ્રસ્ટની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને ભાડે આપવાની પ્રવૃત્તિઓથી ગેરવહીવટ થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદીએ માંગ કરી છે કે, આ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા કરાયેલી તમામ ગેરરીતિઓની તપાસ થવી જોઈએ અને કાયદાનું ઉલ્લંઘન કરનારા જવાબદાર વ્યક્તિઓ સામે સખત પગલાં લેવામાં આવવા જોઈએ. આ મામલે કાર્યવાહી કરીને ટ્રસ્ટની જમીનનો કબજો પરત મેળવવાની માંગ કરવામાં આવી છે.