નવરાત્રી માટે પ્લોટ આપવામાં બેવડી નિતીનો આક્ષેપ, એક પ્લોટનુ દસ દિવસનું ભાડુ ૧૬ લાખ, જયારે ફુટબોલ ગ્રાઉન્ડ બે લાખમાં અપાયું
કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ ભાજપ નેતાને દૈનિક ૨૦ હજારના ભાડાથી આપી દેવામાં આવ્યુ હોવાની મ્યુ.વર્તુળોમા થતી ચર્ચા
અમદાવાદ,ગુરુવાર,11
સપ્ટેમબર,2025
૨૨ સપ્ટેમબરથી નવરાત્રી પર્વનો આરંભ થઈ રહયો છે. પર્વ માટે
કોર્પોરેશન દ્વારા અપાતા વિવિધ પ્લોટમાં બેવડી નિતી અપનાવાતી હોવાનો વિપક્ષનેતાએ
આક્ષેપ કર્યો છે. એલ.જી.ગ્રાઉન્ડ દસ દિવસ ગરબા યોજવા રુપિયા ૧૬.૧૬ લાખના ભાડાથી
અપાયુ છે.જયારે કાંકરિયા ખાતે આવેલુ ફુટબોલ ગ્રાઉન્ડ દૈનિક માત્ર રુપિયા ૨૦ હજારના
ભાડાથી અપાયુ છે. ભાજપ નેતાને ફુટબોલ ગ્રાઉન્ડ મામૂલી એવા રોજના રુપિયા વીસ હજારના
ભાડેથી અપાયુ હોવાની મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચા સાંભળવા મળી રહી છે.
નવરાત્રી પર્વ અગાઉ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા
કોર્પોરેશનના પ્લોટ પણ આંખો મીંચીને ઠરાવ કરી મંજૂરી આપીને લહાણી કરાઈ રહયા
છે.વિપક્ષનેતાએ કરેલા આક્ષેપ મુજબ,
મણીનગરમાં આવેલા એલ.જી.ગ્રાઉન્ડ સરકાર ઈવેન્ટ એન્ડ હોસ્પિટાલીટી દ્વારા ભાડે
માંગવામા આવતા દસ દિવસના ભાડા પેટે તેમની પાસેથી રુપિયા ૧૬.૧૬ લાખ કોર્પોરેશનમાં
જમા કરાવવામા આવ્યા છે.જયારે કાંકરિયા વિસ્તારમા આવેલા ફુટબોલ ગ્રાઉન્ડને દસ
દિવસના માત્ર રુપિયા બે લાખના ભાડાથી
સ્કાય ઈવેન્ટ નામની સંસ્થાને આપી દેવા ઠરાવ કરી મંજૂરી અપાઈ છે.નોંધપાત્ર
બાબત તો એ છે કે, આ જ
સ્કાય ઈવેન્ટને ગત વર્ષે ફુટબોલ ગ્રાઉન્ડ
દૈનિક રુપિયા ૩૦ હજારના ભાડેથી આપવા સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદની દરખાસ્ત મંજૂર
કરવામા આવી હતી. આ સંજોગોમાં ભાડુ વધારવાના બદલે ઘટાડીને આ ગ્રાઉન્ડ ગરબા માટે
ફાળવી દેવામાં આવ્યુ છે.ઉપરાંત ફુટબોલ ગ્રાઉન્ડ ગરબા માટે આપવા બેઝ પ્રાઈઝ રુપિયા
૧૦.૪૨ લાખ રાખવામા આવી હતી. આમ છતાં બે લાખમાં આપી દેવાયુ છે.