- રોડ બનાવ્યાનો એક જ મહિના થયો છતાં ડામર ઉખડવા લાગ્યો
- આ મામલે રજૂઆત કરતા માર્ગ મકાન વિભાગનું મૌન, અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતની ચર્ચા
ડાકોર : ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૮ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ૩ કિલોમીટના રોડમાં ગેરરીતિ આચરવામાં આવી હોય તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.
ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર કરીને આશરે ૧૮ કરોડના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવેલો ૩ કિલોમીટરનો ડામર રોડ વિવાદના વમળમાં ફસાયો છે. કઠલાલની વિમલ એજન્સી દ્વારા સેવાલીયા જૂના મહીસાગર બ્રિજથી સોનીપુર બળેવિયા સુધી બનાવવામાં આવેલ આ રોડમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠયા છે. સ્થાનિક રહીશો અને રાહદારીઓના જણાવ્યા મુજબ, હજુ તો રોડ બન્યાને માંડ એક મહિનો થયો છે ત્યાં જ ડામર ઉખડવા માંડયો છે અને રસ્તા પર પ્રસરી રહ્યો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે સેવાલીયા બજારમાં ચાલતા જતી વખતે લોકોના ચંપલ ડામરમાં ચોંટી રહ્યા છે. જાગૃત નાગરિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો અત્યારે શિયાળાની ઠંડીમાં ડામર ઓગળી રહ્યો હોય, તો ઉનાળામાં ૪૩ ડિગ્રી તાપમાનમાં આ રોડની હાલત શું થશે ?.
આ સમગ્ર મામલે નાગરિક દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારી મહેન્દ્રભાઈ ઝાલાને રજૂઆત કરવામાં આવતા તેમણે મૌન સેવીને એજન્સીનો લુલો બચાવ કર્યોે હોય તેવું પ્રતીત થાય છે. બીજી તરફ, એજન્સીના કોન્ટ્રાક્ટર નિખિલભાઈએ તમામ ગેરરીતિઓને નકારતા પુરાવારૂપી તસવીરોને પ્રિન્ટેડ ગણાવી પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રોડ એક જ મહિનામાં બિસ્માર થતા સરકારી નાણાંનો વેડફાટ અને અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતની ચર્ચાઓએ જોર પકડયું છે.


