ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગમાં ભરતી, પગારમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત
આઉટ સોર્સ એજન્સી અને ડીએચઓની મીલિભગતથી પગારમાં કટકી થતી હોવાનો આરોપ
રજૂઆતમાં આક્ષેપ સાથે જણાવ્યું છે કે, ખેડા જિલ્લાના અલગ-અલગ વિભાગોમાં કરવામાં આવતી આઉટ સોર્સિંગ ભરતી જિલ્લામાંથી ટેન્ડર નક્કી કર્યા બાદ કરાય છે. હાલ ખેડા જિલ્લામાં એમ.જે.સોલંકી નામની એજન્સીનું ટેન્ડર લાગેલું છે. તેના માધ્યમથી ખેડા જિલ્લા પંચાયત કચેરીની આરોગ્ય વિભાગમાં સ્ટાફ કર્મચારીઓની ભરતી કરાવવામાં આવી છે. જે ભરતીમાં મહુધા તાલુકાના કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. અરજદારે માહિતી અધિનિયમના માધ્યમથી માહિતી માંગી હતી. જે માહિતી નિયમ મુજબ આપવામાં આવી ન હતી. અરજદારે તેમના ઉપલા અધિકારીને પણ જાણ કરી હતી. તેનો જવાબ ના મળતા અરજદારે સોશિયલ મીડિયાના માધ્યમથી તાલુકા આરોગ્ય અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી સામે આક્ષેપ કર્યા હતા. જિલ્લાના અધિકારીઓ અને એજન્સીની મીલીભગતથી આઉટસોર્સિંગમાં એવા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે જેને આપવામાં આવેલા હોદ્દા મુજબની યોગ્ય લાયકાત પણ નથી.
તેમના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવે તો કેટલાય એવા કર્મચારીઓની ભરતી કરી દેવાઈ છે કે તેમની પાસે લાયકાતના સર્ટિફિકેટ પણ યોગ્ય નથી. સરકારમાંથી પટાવાળાનો પગાર ૧૮ હજાર ઉઘરાવામાં આવે છે જ્યારે ચુકવણું માત્ર ૧૦૫૦૦ કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ત્યારે આ બાબતે જો ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તો કૌભાંડ બહાર આવવાની શક્યતા છે.
- પીએફ સહિતની કપાત કર્મચારીના ખાતામાં જમા થાય છે : એજન્સી
આ બાબતે એજન્સીના માલિક રજનીકાંત સોલંકીએ જણાવ્યું હતું કે, અરજદારની રજુઆત ખોટી છે, અમારી એજન્સીથી ભરતી કરવામાં આવે છે તેના ડોક્યુમેન્ટની ચકાસણી આરોગ્ય અધિકારીને કરવાની હોય છે અને પગાર બાબતે જે રજૂઆત છે તેમાં પીએફને અન્ય કપાત જે કપાઈ છે તે જે-તે કર્મચારીના ખાતામાં જ જમા થાય છે.
- કર્મચારીઓ ક્વૉલિફાઈડ ન હોય તો પુરાવા અપાશે તો તપાસ કરાશે : ડીએચઓ
આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.ધુ્રવે જણાવ્યું હતું કે, એમ.જે. સોલંકી એજન્સી સાથે સાંઠગાંઠ કરી ભરતી કરી હોવાની વાત ખોટી છે. એજન્સીએ કર્મચારીઓ રાખ્યા છે તે ક્વૉલિફાઈડ નથી તો તેના પુરાવા આપશે તો તપાસ કરાશે.
અરજી ક્યારે કરી તેની તપાસ કરાવી ઈન્ક્વાયરી કરાશે : ડીડીઓ
આ બાબતે ડીડીઓ જયંત કિશોરે જણાવ્યું હતું કે, તેઓએ અરજી ક્યારે કરી છે તેની તપાસ કરાવીશ અને ઈન્ક્વાયરી કરાશે તેમ જણાવ્યું હતું.