કપડવંજના સિંઘાલીમાં 2.98 લાખ ચૂકવ્યા પણ વનીકરણ ન થયાનો આક્ષેપ

- તાલુકાના ગામોમાં મનરેગા અંતર્ગત ગેરરીતિનો આરોપ
- નારી એકતા ક્લસ્ટર સખી સંઘને 2060 છોડના નાણા ચૂકવ્યા : તપાસ થાય તો કૌભાંડ બહાર આવવાની શક્યતા
કપડવંજના સિંઘાલી સહિતના ગામોમાં આ કથિત કૌભાંડની ગંભીરતા એટલી હદે છે કે, મનરેગા હેઠળના વનીકરણના કામો માત્ર કાગળ પર જ દર્શાવી, વાસ્તવિક રીતે કોઈ કામ કર્યા વિના જ લાખોના બિલો પાસ કરાવી લેવામાં આવ્યા છે. કપડવંજના સિંઘાલી ખાતેના ૨૪/૨૫ બ્લોક પ્લાન્ટેશન વર્કના નામે લાખો રૂપિયાના બિલો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં છોડની ખરીદી દર્શાવવામાં આવી છે. કપડવંજ તાલુકાના સિંગાલીમાં મનરેગા હેઠળના 'સિંઘાલી ૨૪/૨૫ બ્લોક પ્લાન્ટેશન વર્ક એટ સિંઘાલી સર્વે નં. ૨૩' માટે નારી એકતા ક્લસ્ટર સખી સંઘ દ્વારા ૦૪/૧૦/૨૦૨૪ના રોજ વિવિધ બિલો રજૂ થયા છે. જેમાં બિલ નંબર ૪૦૧, ૪૦૨, ૪૦૩, ૪૦૪, ૪૦૬, ૪૦૭ અને ૪૦૮ નો સમાવેશ થાય છે. આ બિલો મુજબ, સિંઘાલી ખાતે કુલ ૨૦૬૦ છોડ (જેમાં ૬ બિલોમાં ૩૪૦ છોડ અને ૧ બિલમાં ૨૦ છોડ દર્શાવાયા છે) માટે કુલ રૂપિયા ૨,૯૮,૭૦૦ ચૂકવવામાં આવ્યા છે. જોકે, સ્થળ પરના ફોટોગ્રાફ્સ સ્પષ્ટપણે બતાવે છે કે દર્શાવેલ સ્થળોએ કોઈ વનીકરણ થયું નથી. આ બાબત સૂચવે છે કે, કાગળ પર વૃક્ષારોપણ દર્શાવીને સરકારી તિજોરીમાંથી નાણાં સેરવી લેવામાં આવ્યા છે. જો આ મામલે ઊંડાણપૂર્વક તપાસ થાય તો કદાચ આનાથી પણ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતાઓ છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે, શું રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓ કપડવંજમાં મનરેગા હેઠળ થયેલા આ શંકાસ્પદ કામોની ગંભીર નોંધ લઈ, પારદર્શક અને તટસ્થ તપાસનો આદેશ આપશે? કે પછી કરોડો રૂપિયાના સરકારી નાણાંનો આ ગેરઉપયોગ આમ જ ચાલુ રહેશે? ન્યાય અને જવાબદારીની માંગણી સાથે, આ કૌભાંડની સઘન તપાસ થવી અત્યંત આવશ્યક છે.
કૌભાંડના સંદિગ્ધ અધિકારીને નર્મદા જિલ્લાની તપાસમાં !
કપડવંજમાં મનરેગાની જવાબદારી સંભાળતા એપીઓ મિતેશ જોષીને હાલ નર્મદા જિલ્લામાં બહુચચત મનરેગાના જ એક કૌભાંડની તપાસ ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારના કથિત સંદિગ્ધ પોતે જ અન્ય ભ્રષ્ટાચારની તપાસ કઈ રીતે કરી શકે? તે ગંભીર પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.
એક જ એજન્સીને તમામ કામો : શંકાના વાદળો ઘેરાયા
કપડવંજ તાલુકામાં ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ એમ છેલ્લા બે વર્ષ દરમિયાન મનરેગા હેઠળના તમામ વનીકરણના કામો ફક્ત એક જ એજન્સી, નારી એકતા ક્લસ્ટર સખી સંઘ દ્વારા કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. એક જ એજન્સીને આટલા મોટા પાયે કામો મળવા અને તેમાં પણ પ્લાન્ટ દીઠ બજાર કિંમત કરતાં વધુ રકમ ચૂકવાઈ હોવાની શંકાઓ નાણાકીય કૌભાંડની આશંકાને વધુ મજબૂત બનાવે છે.
માહિતી બોર્ડનો અભાવ : પારદશતા પર સવાલ
મનરેગા હેઠળના કોઈપણ કામના સ્થળે માહિતી બોર્ડ લગાવવું ફરજિયાત છે, જેથી નાગરિકોને કામની વિગતો, ખર્ચ અને સમયગાળા વિશે જાણકારી મળી શકે. જોકે, કપડવંજના આ વનીકરણ કામોના સ્થળોએ માહિતી બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બાબત કામગીરીમાં પારદશતાના અભાવ અને ગેરરીતિ છુપાવવાના ઇરાદા તરફ ઇશારો કરે છે.
જવાબદાર કર્મચારીએ આ અંગે જવાબ આપવાનું જ ટાળ્યું
આ અંગે એપીઓ મિતેશ જોષીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, બધું બરાબર જ કરેલું છે, હું કંઈ પણ કહી શકું નહીં, તમે તાલુકા વિકાસ અધિકારીને પૂછો. આ અંગે કપડવંજ તાલુકા વિકાસ અધિકારી બિપીન પરમારને ટેલિફોનીક સંપર્ક કરતાં તેમણે સત્તાવાર જવાબ આપવાનું ટાળ્યું હતું.









