એરપોર્ટને લગતી નોકરીનાં સપનાં બતાવી છેતરપિંડી કર્યાની રજૂઆત
રાજકોટની ફ્રેન્ક ફીન ઈન્સ્ટિટયુટના સંચાલકો સામે તગડી ફી વસૂલી બરાબર તાલીમ નહીં આપ્યાનો, વાયદા મુજબ નોકરી પણ નહીં અપાવી 200થી વધુ છાત્રોની કારકિર્દી સાથે ખીલવાડ થયાનો આક્ષેપ ઉંચા પગારની લાલચ આપી હવે હોટલમાં વેઈટર કે અન્ય સ્ટાફ તરીકે રૂ. 10 થી 12,000ની નોકરી અપાવવાની વાત કરવામાં આવે છે
રાજકોટ, : શહેરના કેકેવી હોલ પાસે આવેલી ફ્રેન્ક ફીન ઈન્સ્ટીટયૂટના સંચાલકોએ 200થી વધુ વિદ્યાર્થીઓને બરાબર તાલીમ નહીં આપી અને વાયદા મુજબ નોકરી નહીં અપાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ ભોગ બનનાર વિદ્યાર્થીઓએ પોલીસ કમિશ્નરને કરી હતી. જેના આધારે માલવીયાનગર પોલીસને તપાસ કરવાનો હુકમ કરાયો છે.
વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ફ્રેન્ક ફીન ઈન્સ્ટીટયુટમાં એર હોસ્ટેસ, હોસ્પિટાલીટી અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને લગતી પ્રોફેશનલ તાલીમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. એટલું જ નહીં તાલીમ બાદ વિદ્યાર્થીઓને દેશભરનાં કોઈપણ એરપોર્ટ ઉપર ગ્રાઉન્ડ સ્ટાફ કે કોઈપણ એરલાઈન્સમાં કેબિન ક્રૂ મેમ્બર તરીકે નોકરી અપાવવાના સપના બતાવવામાં આવ્યા હતા. બદલામાં રૂ.દોઢ લાખથી લઈ રૂ.અઢી લાખ સુધીની તગડી ફી વસુલવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે આ દરમિયાન બરાબર તાલીમ આપવામાં આવી ન હતી. એટલું જ નહીં ઉંચા પગારની લાલચ આપી હવે હોટલમાં વેઈટર કે અન્ય સ્ટાફ તરીકે રૂ. 10 થી 12,000ની નોકરી અપાવવાની વાત કરવામાં આવે છે. જો કોઈપણ જાતની તાલીમ લીધા વગર પણ વિદ્યાર્થી કોઈ જગ્યાએ નોકરીએ લાગે તો તેને આસાનીથી રૂ. 15થી 20,000 પગાર મળી શકે તેમ છે. તેની જગ્યાએ તાલીમ લીધા પછી પણ રૂ.10 થી 12,000ની નોકરીનો કોઈ મતલબ રહેતો નથી. એક છાત્રાએ જણાવ્યું કે તેનો કોર્સ છ મહિનાનો હતો. એક વર્ષ થઈ જવા છતાં કોર્સ હજુ પુરો થયો નથી. એડમિશન લેનાર મોટાભાગના છાત્રો ગરીબ કે મધ્યમ પરિવારમાંથી આવે છે. જેઓ હવે કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓએ ન્યાય અપાવવા પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે સંચાલક તરીકે શિવરાજ ઝાલા છે. માલવીયાનગર પોલીસે બંને પક્ષોની પુછપરછ શરૂ કરી છે.