પરિવાર સ્કૂલના ટ્રસ્ટીઓએ ગેરરીતિ આચરી 3.31 કરોડનો નાણાકીય લાભ લીધો
વડોદરાઃ શહેરના આજવા રોડ પર આવેલી પરિવાર વિદ્યાલયના ટ્રસ્ટી મંડળના સભ્યોએ તથા તેમના પરિવારજનોએ વિવિધ પ્રકારની ગેરરીતિઓ આચરીને છેલ્લા ૨૦ વર્ષમાં ૩.૩૧ કરોડ રુપિયાનો નાણાકીય લાભ લીધો હોવાનો ચોંકાવનારા આક્ષેપો સ્કૂલના અન્ય એક ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો સહિતના સ્ટાફે કર્યા છે.આ મુદ્દે તેમણે ડીઈઓ તથા ચેરિટી કમિશનરને ફરિયાદ પણ કરી છે.
પરિવાર સ્કૂલના ટ્રસ્ટી શકુંતલાબેન, આચાર્ય ભાસ્કર દેસાઈનું કહેવું છે કે, ૨૦૦૩ થી ૨૦૨૫ સુધીમાં સ્કૂલમાંથી નાણાકીય લાભ મેળવવાની સાથે ટ્રસ્ટીઓ કર્મચારીઓને ઓછો પગાર આપીને શોષણ કરી રહ્યા છે.ચાર વર્ષથી સ્ટાફને રજાનો પગાર આપવાના બાકી છે. કર્મચારીઓને અવાર નવાર ધમકાવવામાં આવે છે.વિદેશ પ્રવાસે ગયેલા બે કર્મચારીઓની બિન પગારી રજા મંજૂર થઈ હોવા છતા તેમને પગાર ચૂકવવામાં આવ્યો છે.ટ્રસ્ટીઓ સ્કૂલમાંથી નાણાકીય લાભ લઈ રહ્યા છે અને બીજી તરફ શિક્ષકોને અને કર્મચારીઓને પગારના ફાંફા છે. ઓગસ્ટ મહિનાનો પગાર હજી સુધી ચૂકવવામાં આવ્યો નથી.ટ્રસ્ટીની પુત્રી પોતે સ્કૂલમાં ફરજ બજાવી લાભ મેળવે છે.
બે કર્મચારીઓનો પગાર રિકવર કરવા ડીઈઓ કચેરીનો આદેશ
જાણવા મળતી વિગતો પ્રમાણે આ ફરિયાદ બાદ ડીઈઓ કચેરી દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેમાં સ્કૂલના સંચાલક મંડળને શિક્ષકોનો પગાર તા.૧૫ પહેલા કરવા માટે અને પગાર વગરની રજા પર ગયેલા કર્મચારીઓને ચૂકવવામાં આવેલો પગાર રિકવર કરવા માટે આદેશ આપ્યો છે.
ચાલુ કલાસમાં ટ્રસ્ટીએ શિક્ષકને ધમકાવ્યા, વિડિયો વાયરલ
પરિવાર સ્કૂલના વિવાદ વચ્ચે શાળાના એક ટ્રસ્ટી અને સ્કૂલના એક શિક્ષક વચ્ચે ચાલુ ક્લાસે થયેલી તડાફડીનો વિડિયો પણ વાયરલ થયો છે.જેમાં ક્લાસમાં બેઠેલા બાળકોની સામે જ શિક્ષકને ટ્રસ્ટી ધમકાવીને સ્કૂલમાંથી બહાર કાઢી મૂકતા અને તારે જેટલા વિડિયો ઉતરાવ હોય તે ઉતારી લે તેવું કહેતા જોઈ શકાય છે.આ વિડિયો એક મહિના પહેલા હોવાનું કહેવાય છે.
ટ્રસ્ટીઓ અને તેમના પરિવારના સભ્યોને મળેલા નાણાકીય લાભ
માલતીબેન શાહ ૧.૫૦ લાખ
અર્ચનાબેન ગુપ્તે ૧.૨૭ લાખ
હેમલતાબેન ખરાડે ૧.૨૭ લાખ
વિક્રમ શાહ ૭.૯૬ લાખ
નયન ગુપ્તે ૯,૮૭ લાખ
શ્યામરાવ ખરાડે ૯.૯૫ લાખ
માનસી કુલાબકર ૪૩.૧૪ લાખ
ડમી કર્મચારીઓને ૮૬લાખ પગાર ચૂકવાયો હોવાનો આરોપ
ડમી કર્મચારીઓને ૮૬ લાખ પગાર ચૂકવાયો
કે જી વિભાગના મકાન બાંધકામમાં ૧૮ લાખની અને દેવકી ચેમ્બર્સના મકાનમાં ૨૨ લાખની ગેરરીતિ
ટ્રસ્ટીઓએ પાંચ લાખના ચાંદીના સિક્કા સ્ટાફ વેલ્ફેર હેઠળ લીધા
પગાર વગરની રજા પર વિદેશ ગયેલા કર્મચારીઓને ૯ લાખ પગાર ચૂકવાયો
રસોડા વિભાગમાં ૯૦ લાખની ગેરરીતિ
નાણાકીય લાભ નહીં કન્વેયન્સ એલાઉન્સ લીધું હતું
ગેરરીતિનો આક્ષેપ કરનારાઓ તેને પૂરવાર કરી શકે તેમ છે?
નવા ટ્રસ્ટીની નિમણૂક થઈ હોવાના કારણે આંદોલન શરુ કરવામાં આવ્યું છે
જેમની સામે આક્ષેપો થયા છે તે પૈકીના એક ટ્રસ્ટીના પતિ નયનભાઈ ગુપ્તેએ કહ્યું હતું કે, જેમણે પણ ગેરરીતિના આક્ષેપો કર્યા છે તેઓ તેને પૂરવાર કરી શકે તેમ છે ખરા? અમને ૨૦ વર્ષમાં જે નાણાકીય લાભ મળ્યો હતો તે કન્વેયન્સ એલાઉન્સ હતું અને તે પણ ૨૦૧૬થી બંધ કરી દેવાયું છે.આ તમામ આંકડા બેલેન્સશિટ પર મોજૂદ છે.તેમાં કશું છુપાવવાનું હતું નહીં. હું પોતે બેન્કની નોકરી છોડીને સ્કૂલમાં સેવા આપી રહ્યો હતો.માનસી કુલાબકર સ્કૂલમાં એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવે છે અને તેનો પગાર તેમને મળે છે.આક્ષેપ કરનાર ટ્રસ્ટી શકુંતલાબેન પોતે સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી ચૂકયા છે.શોષણનો આક્ષેપ કરનાર આચાર્ય ભાસ્કર દેસાઈને ૧.૨૫ લાખનો પગાર ચૂકવવામાં આવે છે.સ્કૂલના રસોડાનું યુનિટ જ વર્ષે બે લાખની ખોટ કરે છે ત્યારે તેમાં ગેરરીતિ ક્યાંથી થવાની હતી?આજે સ્કૂલની કુલ આવકમાંથી ૭૪ ટકા પગારમાં જાય છે.આમ છતા શિક્ષકોને ઈન્ક્રિમેન્ટ જોઈએ છે.અમે સ્કૂલના ટ્રસ્ટી મંડળમાં નવા ટ્રસ્ટીની નિમણૂક કરી છે અને તે આચાર્ય ભાસ્કર દેસાઈને ગમ્યું નથી.જેના કારણે તેમણે આંદોલન શરુ કરાવડાવ્યું છે.