આઠ વર્ષથી વધુ જૂના તમામ પ્રકારના વાહનોને સ્ક્રેપ પોલિસીનો લાભ મળશે
- 1 લી મેથી એક વર્ષ માટે થનારો અમલ : આરટીઓમાં અરજી કરવાની રહેશે
- આરવીએસએફ સેન્ટરમાં સ્ક્રેપ કર્યેથી ટેક્ષ માફી જાહેર : એમ.વી. એક્ટ સિવાયના કાયદા હેઠળ નોંધાયેલ ગુનામાં સામેલ વાહનોને જોગવાઈ લાગુ નહીં પડે
આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈ-વે દ્વારા રજિસ્ટ્રેશન એન્ડ ફંક્શન્સ ઓફ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી (આર.વી.એસ.એફ.) રૂલ્સ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્યના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગઈ તા. ૨૪ માર્ચના રોજ કરાયેલ પરિપત્રમાં જણાવાયું હતું કે, આ સ્ક્રેપિંગ પોલિસી અંતર્ગત માન્ય આરવીએસએફ સેન્ટર ખાતે જૂના વાહનો સ્ક્રેપ કરવાથી ઈસ્યુ કરવામાં આવતા સર્ટીફિકેટ ઓફ ડિપોઝીટની સામે સ્ક્રેપ થનાર મોટર વાહન પર બાકી વેરા પર લાગુ પડેલ પૂરેપૂરો દંડ માફ કરવાનું ઠરાવાયું છે. આ જોગવાઈ આઠ વર્ષથી વધુ વયના મોટર વાહનોને લાગુ પડશે. મોટર વાહનની વયની ગણતરી માટે તેની પ્રથમ નોંધણીની તારીખ ધ્યાને લેવામાં આવશે. મોટર વાહન અધિનિયમ,૧૯૮૮ સિવાયના કાયદા હેઠળ નોંધાયેલા ગુનાઓમાં સામેલ વાહનોને આ ઠરાવની જોગવાઈ લાગુ પડશે નહીં.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કુલ પાંચ સ્ક્રેપિંગ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લામાં અલંગ જ્યારે અમદાવાદ અને ખેડા જિલ્લામાં ૨-૨ સેન્ટરનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ પોલિસીનો લાભ મેળવવા માટે ૮ વર્ષથી વધુ જૂના વાહન માલિકે આર.ટી.ઓ.માં અરજી કરવાની રહેશે. આર.ટી.ઓ. દ્વારા પરવાનગી મળે તે પછી સ્ક્રેપ સેન્ટરમાં વાહનના સ્ક્રેપિંગની પ્રક્રિયા થશે. વાહન સ્ક્રેપ થયાની જાણ સેન્ટર દ્વારા આરટીઓને કરવામાં આવશે. જેના અનુસંધાને સર્ટિફિકેટ ઓફ ડિપોઝીટ (સીઓડી) ઈસ્યુ કરવામાં આવશે. આ સર્ટિફિકેટનો નવા વ્હીકલની ખરીદી વખતે ઉપયોગ થઈ શકશે.