Gujarat

કોમર્સમાં એફવાયની તમામ બેઠકો ભરાઈ ગઈ, 6800 વિદ્યાર્થીઓને પ્રવેશ

By GS TEAM
18 Jun 20251 min read
કોમર્સમાં એફવાયની તમામ બેઠકો ભરાઈ ગઈ, 6800 વિદ્યાર્થીઓને પ્રવેશ

વડોદરાઃ જીકાસ પોર્ટલ હેઠળ ધો.૧૨ પછી સરકારી યુનિવર્સિટીઓમાં હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયાના ચોથા તબક્કાના અંતે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં છેલ્લી ઘડીએ વધારવામાં આવેલી એફવાયની ૪૫૦ જેટલી બેઠકો પણ ભરાઈ ગઈ છે.જેના પગલે હવે ધો.૧૨ની પૂરક પરીક્ષા બાદ કોમર્સ ફેકલ્ટીમાં બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની શકયતા નહીંવત બની ગઈ છે.

કોમર્સ  ફેકલ્ટીના ડીન પ્રો.જે કે પંડયાએ કહ્યું હતું કે, કોમર્સમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ૪૫૦ બેઠકો વધારવામાં આવી હતી.ચોથા તબક્કામાં આ બેઠકો પણ ભરાઈ ગઈ છે.સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ૫૦ ટકાએ પ્રવેશ અટકયો છે અને તમામ બેઠકો ભરાઈ ગઈ છે.હવે અમારી પાસે પ્રવેશ આપવાની જગ્યા નથી.આ વર્ષે એફવાયમાં ૬૮૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે.

એક તરફ સાયન્સ અને આર્ટસ જેવી ફેકલ્ટીઓમાં જગ્યાઓ ખાલી પડી છે તો કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટેનો ધસારો આશ્ચર્યજનક છે.જો બીજા તબક્કામાં પ્રવેશ કાર્યવાહી નહીં થાય તો ધો.૧૨ની પૂરક પરીક્ષા પાસ કરનારા વડોદરાના વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ નહીં મળે.વડોદરામાંથી ૪૮૬૦ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષા આપનાર છે.