સુરત તા. 7 ફેબુ્રઆરી 2020 શુક્રવાર
પશ્ચિમી
સંસ્કૃતિ તરફ દોટ મુકી રહેલી દેશની ભાવિ પેઢી દેશની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ નહિ થાય
તે માટે બાલ્યવસ્થાથી ઉત્તમ સંસ્કારાનું સિંચન થાય તે માટે રાજયના શિક્ષણ વિભાગ
દ્વારા તા. 14 ફેબુ્રઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ના દિવસે માતૃ-પિતૃ પુજન દિવસ ઉજવણી
કરવાનો આદેશ તમામ શાળાના આચાર્યને કરવામાં આવ્યો છે. જોકે આ પરિપત્રને કારણે વિવાદ
થવાની શક્યતા જોવામાં આવી રહી છે.
તા. 14 ફેબુ્રઆરી એટલે પ્રેમ અભિવ્યક્ત કરવાનો દિવસ. પશ્ચિમી દેશોમાં સંત વેલેન્ટાઇનની યાદમાં ઉજવવામાં આવતો વેલેન્ટાઇન ડે નું ભારતમાં પણ અનુકરણ કરવામાં આવ્યું છે અને દેશની ભાવિ પેઢી ગણાતા યુવાધન વેલેન્ટાઇન-ડે ની આતુરતાથી રાહ જોતા હોય છે. વેલેન્ટાઇન ડે ની ઉજવણી પશ્ચિમી દેશનું અનુકરણ છે અને તેની ઉજવણી પર પ્રતિબંધ મુકવા માટે કેટલાક સંગઠનો દ્વારા ભૂતકાળમાં વિરોધ પણ કરવામાં આવ્યો છે. પરંતુ રાજયના શિક્ષણ વિભાગ દ્વારા જયારે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડે ની ઉજવણી થશે ત્યારે તમામ શાળામાં તા. 14 ફેબુ્રઆરીના રોજ માતૃ-પિતૃ પૂજન દિવસ ઉજવવા માટે એક પરિપત્ર જાહેર કર્યો છે.
શિક્ષણ વિભાગનું માનવું છે કે યુવાધન દેશની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ થઇ રહી છે. જેથી બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી માટે શાળામાં 5થી 10 વાલી દંપતીને આમંત્રીત કરવા, શિક્ષણ સમિતિના સભ્યો, નગરસેવક અને શિક્ષણવિદ અને સમાજ સેવકોને આમંત્રિત કરવા અને તિલક, ફુલહાર, વંદન કરવા સહિતના અલગ-અલગ કાર્યક્રમ યોજી તેના ફોટા સહિતની માહિતી જે તે જિલ્લા શિક્ષણાધિકારીને મોકલાવવા માટે તાકીદ કરવામાં આવી છે.

