મુજપુર બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યુ વડોદરા જિલ્લામાં નદી અને રેલવેના તમામ બ્રિજોની તપાસ કરવા આદેશ
હાઇવે ઓથોરિટિ, રેલવે અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગે તપાસ કરી બે દિવસમાં રિપોર્ટ તૈયાર કરવો પડશે
વડોદરા, તા.૧૨ પાદરા તાલુકાના મુજપુર ગામમાં આવેલ ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટના બાદ વડોદરા જિલ્લાના તમામ બ્રિજોની ગુણવત્તા ચકાસવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરી બે દિવસમાં જ રિપોર્ટ સબમિટ કરવા જણાવાયું છે.
આ આદેશમાં વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ તમામ રોડ-રસ્તા, રેલવે સંબંધિત રોડ-રસ્તા, અને નદી-નહેર સંબંધિત રોડ-રસ્તા તથા તેમને સંલગ્ન બ્રિજ/પુલની જાળવણી અને મરામતની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં આવેલા તમામ બ્રિજ/પુલ જર્જરિત કે ભયજનક સ્થિતિમાં છે કે કેમ તેની ટેકનિકલ સર્વે અને ચકાસણી કરવા માટે અધિકારીઓની ટીમો બનાવવામાં આવી છે.
તાલુકાવાર ચાર સર્વે ટીમોમાં પાદરા અને વડોદરા (ગ્રામ્ય), ડભોઈ અને વાઘોડિયા, કરજણ અને શિનોર તથા સાવલી અને ડેસરમાં પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ કાર્યપાલક ઇજનેર (માર્ગ અને મકાન - સ્ટેટ અને પંચાયત), તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સાથે નેશનલ હાઈવે માટે પ્રોજેક્ટ મેનેજર, એનએચએઆઇ, ગોધરા અને જનરલ મેનેજર, એનએચએઆઇ,ૈંેં, ભરૃચની ટીમ બનાવવામાં આવી છે. જ્યારે રેલવે બ્રિજ/પુલ ડેપ્યુટી ચીફ એન્જિનિયર (બાંધકામ-૧) અને ડેપ્યુટી ચીફ એન્જિનિયર (બાંધકામ-૩), પશ્ચિમ રેલવે, પ્રતાપનગર, વડોદરાની એક ટીમ સર્વે કરશે.
અધિકારીઓએ તેમને સોંપેલ તાલુકામાં આવેલા બ્રિજ-પુલોની ચકાસણી કરીને તેનો રિપોર્ટ બે દિવસમાં કચેરીએ રૃબરૃ જમા કરાવવાનો રહેશે. સર્વે રિપોર્ટ માટે એક ચોક્કસ ફોર્મેટ પણ પ્રદાન કરવામાં આવ્યું છે, જેમાં બ્રિજનો પ્રકાર, સ્થાન, કનેક્ટિંગ રોડની વિગતો, નિર્માણ વર્ષ, છેલ્લી તપાસ અને મરામતની તારીખ, વર્તમાન સ્થિતિ અને ટિપ્પણીઓ શામેલ હશે.