ચોમાસાને કારણે દીવના તમામ બીચ ત્રણ મહિના માટે બંધ, 144ની કલમ લગાવાઈ
દીવના દરિયા કિનારે દેશ વિદેશના પર્યટકો હરી ફરી શકશે પણ દરિયામાં ડુબકી નહીં મારી શકે
વરસાદની મૌસમ શરુ થતાં દરિયામાં તોફાની મોજા સાથે કરંટના કારણે દરિયામાં જવાની સખ્ત મનાઈ હોય છે
દીવઃ ચોમાસું નજીક આવી રહ્યું છે અને દરિયામાં એક સિસ્ટમ સક્રિય થઈ હોવાથી લોકો માટે દીવ પ્રસાશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે દીવના તમામ બીચ તા. 1 જુન થી 31 ઓગષ્ટ સુધી ત્રણ મહિના માટે બંધ કરવામાં આવી રહ્યા છે.
પર્યટકો હરી ફરી શકશે ડુબકી નહીં મારી શકે
દીવના દરિયા કિનારે દેશ વિદેશના પર્યટકો હરી ફરી શકશે પણ દરિયામાં ડુબકી નહીં મારી શકે. તેમજ કોઈપણ જાતની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી જેમાં પેરાગ્લાઈડીંગ, વોટર સ્કુટર, જેસ્કી રાઈડ્સ, બનાના બોટ વગેરેની મજા પણ નહીં માણી શકે. કારણ કે ચોમાસાની સિઝન દરમિયાન દીવ પ્રસાશન દ્વારા દરીયો ખેડવા પર પ્રતિબંધ પણ મુકવામાં આવે છે.
144ની કલમ લગાડવામાં આવી
વરસાદની મૌસમ શરુ થતાં દરિયામાં તોફાની મોજા સાથે કરંટના કારણે દરિયામાં જવાની સખ્ત મનાઈ હોય છે. દીવ કલેકટરના આદેશથી 144ની કલમ તમામ દરિયા કિનારે લગાડવામાં આવી છે. જેનું ઉલંઘન કરવા પર સખ્ત કાનુની કાર્યવાહી કરવામાં આવશે.