Gujarat

લોધીના લીમડા પાસે વેપારીના ઘરમાંથી રૃ.25 લાખની મત્તાની ચોરી

By GS TEAM
10 Sep 20252 mins read
લોધીના લીમડા પાસે વેપારીના ઘરમાંથી રૃ.25 લાખની મત્તાની ચોરી

ધોળકા શહેરમાં તસ્કરોનો તરખાટ યથાવત્

૧૧ દિવસ અગાઉ શંકરપુરા પાટિયા પાસે વેપારીના કારમાંથી ૮.૭૦ લાખની ચોરી થઇ હતી

બગોદરાધોળકા શહેરમાં તસ્કરોએ ફરી માથું ઊંચક્યું છે. શહેરમાં ૧૧ દિવસમાં ચોરીની બીજી મોટી ઘટના બની છે. શહેરના  લોધીના લીમડા પાસે વેપારીના ઘરમાંથી રૃ.૨૫ લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. બનાવ સંદર્ભે ટાઉન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ધોળકા શહેરના શંકરપુરા પાટિયા પાસે આવેલા રુદ્રરાજ ટ્રેક્ટરના વડામાં ૧૧ દિવસ અગાઉ વેપારીની કારના કાચ તોડી રોકડ ૮.૭૦ લાખ સહિતના કિંમતી દસ્તાવેજોની ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યારે વધુ એક ધોળકા શહેરમાં મોટી ચોરી થઈ છે. શહેરના લોધીના લીમડા પાસે, અરિહંત હોસ્પિટલની સામે ફિરોજભાઈ હસનભાઈ રાધનપુરી (ઉ.વ.૫૫)નું ઘરમાં (આગળ ગેરેજ અને પાછળ ઘર આવેલું છે)માં ચોરી થઇ છે.

૯મી સપ્ટેમ્બરના રોજ રાત્રે ૧૦૦થી સવારે ૮ઃ૪૫ વાગ્યા દરમિયાન તસ્કરોએ ગેરેજના શટરનું તાળું ચાવી વડે ખોલીને પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ, કબાટમાં રાખેલી તિજોરીની ચાવીનો ઉપયોગ કરીને તિજોરીના બે લોકર ખોલીને તેમાંથી રોકડ ૧૭ લાખ (૫૦૦ના દરની ૩૪ બંડલ અને અન્ય ચલણી નોટો) અંદાજે ૧૮.૫ તોલા સોનાના ઘરેણા કિં.રૃ.૫.૯૩ લાખ અને ૪,૦૦૦ની કિંમતના ચાંદીના ઘરેણા મળી કુલ મળીને રૃ.૨૪,૯૭,૦૦૦ની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

બનાવ સંદર્ભે ધોળકા ટાઉન પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોેને ઝડપી  પાડવા ધોળકા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમે સીસીટીવી ચેક કરી તપાસ હાથ ધરી છે.