ચિલોડામાં શિક્ષકના બંધ મકાનનું તાળું તોડી રૃા.૨.૪૧ લાખની મત્તાની ચોરી
ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત
મકાન બંધ કરીને બહેનના ઘરે હરિયાણા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બારીની ગ્રીલ તોડીને હાથ સાફ કર્યો
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી
રહી છે ત્યારે શહેર નજીક આવેલા ચિલોડામાં વધુ એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા
હોવાની વિગતો બહાર આવી રહી છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે સુરમ્ય બંગ્લોઝમાં મકાન
નંબર ૨૫ ખાતે રહેતા અને સેક્ટર ૨૫માં આવેલી શાળામાં સ્પોર્ટ્સ શિક્ષક તરીકે કામ
કરતા લોકેશ્વરસિંગ રમેશચંદ્ર તનવર ગત ૨૩ એપ્રિલના રોજ તેમનું મકાન બંધ કરીને
હરિયાણા ગુડગાવ ખાતે તેમની બહેનના ઘરે વાસ્તાના પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા
તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને બીજા માળે બારીની
ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ કરીને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ
મળીને ૨.૪૧ લાખ રૃપિયાની મત્તા ચોરી લીધી હતી. જોકે ગઈકાલે તેઓ ઘરે પરત ફર્યા
ત્યારે મકાનનું તાળું ખોલીને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે અંદરથી બંધ
હોવાનું જણાયું હતું. જેથી પાછળની બાજુએ જોતા પાછળનો દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં
તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં હતો. જેથી ઉપરના માળે જતા બારીની ગ્રીલના સળિયા
તૂટેલી હાલતમાં જણાયા હતા અને ઘરમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાનું લાગ્યું હતું.
જેથી આ અંગે ચિલોડા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તેમની
ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરીને શોધખોળ શરૃ કરી હતી.