Gujarat

શક્તિપીઠના ભંડારામાં મદિરાપાનથી ભાવિકોમાં ધૂંધવાટ, તપાસનો આદેશ

By GS TEAM
12 Mar 20262 mins read
શક્તિપીઠના ભંડારામાં મદિરાપાનથી ભાવિકોમાં ધૂંધવાટ, તપાસનો આદેશ

ગિરનાર પર અંબાજી મંદિર ખાતે દારૂની કથિત પાર્ટીનો વીડિયો વાયરલ : તંત્ર દ્વારા એક તરફ તપાસનું ગાણું : પણ જે આ  ક્લિપમાં ક્યાંય નથી તેમને અંબાજી મંદિરમાં પ્રતિબંધ મુકી દેવાતાં અનેક સવાલ

જૂનાગઢ, : ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂની પાર્ટી અને અભદ્ર શબ્દોના ઉચ્ચારણ સાથેનો એક વીડિયો વાયરલ થયો છે. શક્તિપીઠ પર આ પ્રકારનાં કૃત્યથી ભાવિકોમાં આક્રોશ ફેલાયો છે. આ બાબત અંગે કલેક્ટરે એસડીએમને તપાસ સોંપી અહેવાલ માંગ્યો છે. જોકે, તંત્ર દ્વારા એક તરફ તપાસનું ગાણું ગાવામાં આવે છે અને આ વીડિયોમાં જે કોઈ નથી તેઓને અંબાજી મંદિરમાં જવા પર પ્રતિબંધ મુકી દેવાતાં અનેક સવાલો ઉઠયા છે. આ બાબતને લઈ ભાવિકો અને સાધુ-સંતોમાં નારાજગી વ્યાપી છે. તાકીદે આ અંગેની તપાસ પૂર્ણ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

ગિરનાર પર્વત પર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિર લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. હાલ મહંતના અભાવે મંદિરનો વહીવટ મામલતદાર હસ્તક છે. વહીવટદારનું શાસન હોવા છતાં મંદિર ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અમુક તત્ત્વો મંદિરના ભંડારામાં દારૂની પાર્ટી સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને અભદ્ર શબ્દોના ઉચ્ચારણ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ બાબત સામે આવતાં ભાવિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ગઈકાલે મામલતદારે આ બાબતને ધ્યાને લઈ અંબાજી મંદિરના પૂજારીઓ તેમજ રસોયા સહિત ૧૧ વ્યક્તિઓને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. જ્યારે માતાજીની પૂજા તેમજ અન્ય વિધિની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સેવા પૂજાના જાણકાર બે વ્યક્તિઓને કામચલાઉ ધોરણે રાખવામાં આવ્યા છે. મામલતદારે જણાવ્યું હતું કે, આ વીડિયો કેટલો જૂનો છે, તેમાં કેટલી સત્યતા છે અને તેમાં કેટલા લોકો સામેલ છે તે અંગેની હાલ તપાસ ચાલી રહી છે. એ અંગેનો અહેવાલ આવ્યા બાદ જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

જ્યારે આ કથિત વીડિયો સામે આવતા કલેક્ટર અનિલ રાણાવસિયાએ આ અંગે પ્રાંત અધિકારીને તપાસ સોંપી છે જેના અહેવાલ બાદ જવાબદારો સામે કાયદેસર પગલા લેવામાં આવશે.

સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, આ વીડિયો જૂનો છે, તેમાં જે અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કરતા જોવા મળે છે તેમાંથી કોઈ પૂજારી નથી પરંતુ પૂજારી અથવા મંદિર સાથે સંકળાયેલા વ્યક્તિ પ્રેરિત હોય એવી સંભાવના છે. જોકે આ બાબતે સમગ્ર તપાસ થયા બાદ જ હકીકત સામે આવશે.