વડોદરા બાદ ડભોઈમાંથી પીળા રંગનો અલ્બિનો તરીકે ઓળખાતો કાચબો મળ્યો

વડોદરાઃ વડોદરા બાદ ડભોઈમાં પણ પીળા રંગનો અલ્બિનનો કાચબો મળી આવ્યો છે.વડોદરામાં ગત તા.૬ ઓગસ્ટના રોજ તરસાલી-ધનિયાવી રોડ પર આવો કાચબો મળ્યો હતો.એ પછી આજે ડભોઈમાં શિવ શક્તિ સોસાયટી વિસ્તારમાં શનિદેવ મંદિર પાસે પીળા રંગના કાચબાએ દેખા દીધી હતી.
આ કાચબો જોવા માટે લોકોના ટોળા ઉમટી પડયા હતા.સોસાયટીના રહેવાસીઓએ વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી અને વન વિભાગની ટીમે તેનો કબજો લઈને સુરક્ષિત સ્થાન પર ખસેડવાની કાર્યવાહી શરુ કરી છે.આ કાચબો અહીંયા ક્યાંથી આવ્યો તે પણ તપાસનો વિષય છે.
સામાન્ય રીતે કાચબા ભૂખરા કે કાળાશ પડતા હોય છે પરંતુ લાખોમાં એક કેસમાં આનુવંશિક ખામી( જિનેટિક ડિફેકટ)ના કારણે કાચબામાં કે અન્ય પ્રાણીઓમાં રંગદ્રવ્યો( મેલેનિન)નું ઉત્પાદન થતું નથી અને તેના કારણે તે પીળા કે સફેદ રંગના દેખાય છે.ગુજરાતમાં કદાચ પીળા રંગનો કાચબો મળ્યો હોય તેવો બીજો કિસ્સો છે.
અલ્બિનો પ્રકારના પ્રાણીઓ અન્ય પ્રાણીઓ કરતા તેમના રંગના કારણે અલગ તરી આવે છે અન તેના કારણે તેમના માટે અસ્તિત્વ ટકાવવું પડકારજનક હોય છે.વિશ્વામિત્રી નદી મગરોની સાથે ઈન્ડિયન ફ્લેપશેલ ટર્ટલ પ્રજાતિના કાચબાઓનું ઘર છે અને વડોદરામાંથી મળેલો કાચબો ફ્લેપશેલ ટર્ટલ પ્રજાતિનો હતો.








