Gujarat

અલંગમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર-2025 માં અત્યાર સુધીના સર્વાધિક 15 શિપ આવ્યા

By GS TEAM
2 Oct 20252 mins read
અલંગમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર-2025 માં અત્યાર સુધીના સર્વાધિક 15 શિપ આવ્યા

- શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે સારા સમાચાર

- શિપની સતત ઘટી રહેલી સંખ્યા વચ્ચે સપ્ટેમ્બરમાં સામાન્ય ઉછાળો, છેલ્લા 9 માસના સમયગાળામાં અલંગમાં કુલ 90 શિપ બીચ થયાં

ભાવનગર : ભાવનગરના શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે તેજીની થોડી આશા જાગી હોય તેમ ગત માસ સપ્ટેમ્બરમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં સામાન્ય ઉછાળો આવ્યો છે. ગત સપ્ટેમ્બર માસમાં અલંગમાં ચાલુ વર્ષના સર્વાધિક ૧૫ શિપ બીચ થયાં છે અને છેલ્લા ૯ માસમાં કુલ ૯૦ શિપે અલંગમાં પોતાની આખરી સફર ખેડી છે.

દક્ષિણ એશિયામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશ વચ્ચે સ્પર્ધા વચ્ચે ભારતનો શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ મંદીનો સામાનો કરી રહ્યું છે. મંદીના માહોલની સ્થિતિ વચ્ચે તેજીની થોડી આશા જાગી હોય તેમ ગત માસ સપ્ટેમ્બર-૨૦૨૫માં અલંગમાં આવતા શિપની સંખ્યામાં સામાન્ય ઉછાળો આવ્યો છે. વર્ષ ૨૦૨૫ના પ્રારંભમાં અલંગમાં આવતા શિપની સંખ્યા ડબલ ડિજીટમાં રહી હતી. પરંતુ એપ્રિલ માસથી આ સંખ્યા સિંગલ ડિજિટમાં થઈ ગઈ હતી. ચાલુ વર્ષે મે-૨૦૨૫માં અલંગમાં સૌથી ઓછા માત્ર ૪ શિપ જ આવ્યા છે. વર્ષ-૨૦૨૫ના મધ્યભાગમાં શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં સ્થિરતા જોવા મળી હતી. હોંગકોંગ કન્વેન્શન લાગુ થયાં બાદથી અલંગ ફરી ધમધમતું થાય તેવી આશા વચ્ચે ગત માસ અલંગ માટે સારો સાબિત થયો હોય તેમ સપ્ટેમ્બર-૨૦૨૫માં અલંગમાં ચાલુ વર્ષના સર્વાધિક ૧૫ શિપ આવ્યા છે અને છેલ્લા પાંચ નાણાંકીય વર્ષના સપ્ટેમ્બર માસની સરખામણીએ સૌથી વધારે શિપ ચાલુ નાણાંકીય વર્ષના સપ્ટેમ્બર માસમાં આવ્યા છે. ઉપરાંત ગત માસે ટનેજની દ્રષ્ટિએ પણ કદ અને વજનમાં મોટા શિપ અલંગમાં આવ્યા છે. ચાલુ વર્ષના જાન્યુઆરીથી સપ્ટેમ્બર માસ સુધીના ૯ માસના સમયગાળામાં અલંગમાં કુલ ૯૦ શિપ આવ્યા છે. હાલ અલંગમાં આશરે ૨૫ થી ૩૦ પ્લોટમાં શિપ રિસાક્લિંગની કામગીરી ચાલી રહી છે.

માસ

શિપ

જાન્યુઆરી

૧૦

ફેબુ્રઆરી

૧૦

માર્ચ

૧૧

એપ્રિલ

૦૯

મે

૦૪

જુન

૦૮

જુલાઈ

૧૨

ઓગસ્ટ

૧૧

સપ્ટેમ્બર

૧૫

કુલ

૯૦