બેફામ દોડતાં ડમ્પરથી પાંચ વાહનને અકસ્માતઃ આખો પરિવાર કારમાં ફસાયો
ઘોડાસર બ્રિજ ઉપર મધરાતે ગંભીર અકસ્માત
ડમ્પરે ઓવરટેક કરતાં બચાવ માટે બ્રેક મારી તો કાર પલ્ટી
અમદાવાદ, સોમવાર
દિવાળીમાં સપરિવાર ફરીને આવતાં એસ્ટેટ એજન્ટના પરિવારે બેફામ દોડતાં ટેન્કરના કારણે મોત ભાળ્યું હતું. ઘોડાસર ઓવરબ્રિજ ઉપર ડમ્પરે બેફામ ગતિએ ઓવરટેક કરતાં બ્રેક મારતાં જ કાર પલ્ટી ગઈ હતી અને પાછળ એક પછી એક પાંચ વાહનો અથડાયા હતા. અકસ્માતમાં માસૂમ બાળકીને પગે ફ્રેક્ચર થયું હતું.
ડમ્પરે ઓવરટેક કરતાં બચાવ માટે બ્રેક મારી તો કાર પલ્ટીઃ પાછળ બીજી કાર અને ટુ વ્હીલર્સ અથડાયાં
ખોખરામાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા યુવકે ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ પરિવારજનો સાથે દિવાળી પર્વમાં રાજસ્થાન રણુજા દર્શન કરવા કાર લઇને ગયા હતા. તા. ૨૬ ના રોજ મોડી રાત્રે તેઓ પરત ઘરે જવા માટે ઘોડાસર બ્રિજ પરથી પસાર થતા હતા. ત્યારે બ્રિજ ઉતરતા ઇમેજ સ્કુલ સામેથી પસાર થતા હતા તે સમયે રેતી ભરેલ ડમ્પર ચાલકે સાઇડ બતાવ્યા વગર સાઇડમાં દબાવવા જતા કાર સાથે અથડાયું હતું.
જેથી યુવકે બ્રેક મારીને કાર ઉભી રાખી હતી દરમિયાન પૂરઝડપે પાછળથી આવી રહેલી કારના ચાલકે ફરિયાદીની કારને ટક્કર મારતા આગળના ભાગે સાંકળો રસ્તો હોવાથી બ્રિજની દિવાલ સાથે અથડાતાં કાર પલટી મારી ઉંધી પડી ગઇ હતી. જેના કારણે આખો પરિવાર કારમાં ફસાયો હતા તમામને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં ૧૩ વર્ષીય પુત્રીને પગમાં ફ્રેક્ચર થયું હતું. પોલીસ તપાસમાં પૂરઝડપે આવી રહેલા અન્ય ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા આગળ જતા એક્ટિવાને ટક્કર વાગી બાદમાં બીજી કાર ફરિયાદીની કારને ટકરાઇ હતી.

