અખંડ રામધૂનના 61 વર્ષ: જામનગરના બાલા હનુમાન મંદિરે રચ્યો નવો ઇતિહાસ, શ્રદ્ધાનો અદ્ભુત કીર્તિમાન!
Jamnagar : ગુજરાતના જામનગરમાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન સંકિર્તન મંદિર આજે એક ઐતિહાસિક પળનો સાક્ષી બન્યું છે. આ મંદિરમાં 1 ઓગસ્ટ, 1964થી અવિરત ચાલી રહેલી અખંડ રામધૂને આજે 61 વર્ષ પૂર્ણ કરી 62માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ અખંડ રામ નામ જાપને આજે 22,279 દિવસ થયા છે, જે પોતાનામાં જ એક અનોખો કીર્તિમાન છે.
આ અદભુત અવસરે બાલા હનુમાન મંદિરમાં આજે એક વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી જ ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો છે. આ પ્રસંગે ધ્વજારોહણ, વિશેષ રામધૂન અને સંધ્યા આરતી સહિત 51 દિવાની મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક ભાગ લઈ રહ્યા છે.
આ અખંડ રામધૂનનો મંગલમય પ્રારંભ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજે 1 ઓગસ્ટ, 1964ના રોજ કર્યો હતો. ત્યારથી લઈને આજદિન સુધી, ગમે તેવા સંજોગોમાં પણ આ રામધૂન એક ક્ષણ પણ અટકી નથી. ભૂકંપ હોય, વાવાઝોડું હોય કે પછી કોરોના જેવી વૈશ્વિક મહામારી હોય, આ અખંડ જાપ નિરંતર ચાલુ રહ્યો છે. આ ભક્તિ અને શ્રદ્ધાની સાચી જીવંત મશાલ છે, જેણે અનેક આફતોનો સામનો કર્યો છે.
આ મંદિરે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશથી પણ હજારો શ્રદ્ધાળુઓને આકર્ષિત કર્યા છે. અહીં આવતા ભક્તો રામધૂનમાં જોડાઈને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. આજે 62માં વર્ષમાં મંગલ પ્રવેશ થતા સમગ્ર જામનગરમાં એક અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો છે. આ અખંડ રામધૂન ખરેખર ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું એક જીવંત પ્રતિક છે, જે અવિરતપણે શ્રદ્ધા અને ભક્તિનો સંદેશો ફેલાવી રહી છે.