અખંડ રામધૂન મંડળ દ્વારા 28 વર્ષમાં અબજો રામનામ મંત્રનું લેખન કરાવાયું
બુકમાં લખેલા 13.5 કરોડ મંત્રોને યાદગીરીરૂપે મઢાવીને રખાયા : ભાવિકો દ્વારા લખવામાં આવતા શ્રીરામ નામ મંત્ર લખેલી બુકનું દરવર્ષે હરિદ્વાર ખાતે ગંગાજીમાં વિસર્જન
જૂનાગઢ, : જૂનાગઢમાં રામ ધૂન મંડળ દ્વારા 28 વર્ષથી અવિરત અખંડ રામધૂન ચલાવવામાં આવી રહી છે, જેમાં જોડાયેલા રામ ભક્તો દ્વારા અત્યાર સુધીમાં શ્રીરામ નામના અબજો મંત્ર લખી રામ ભક્તિની અનોખી સાંકળ ચલાવવામાં આવી રહી છે. ૧૩.૫ કરોડ મંત્રોને કાયમી સંભારણા રૂપ મંદિરમાં જ મઢાવેલા રાખવામાં આવ્યા છે.
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દેશભરમાં અનોખો ઉત્સાહ છે અને વિવિધ સ્થળોએ ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢમાં અંબિકા ચોક ખાતે પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંડળ દ્વારા છેલ્લા 28 વર્ષથી અવિરત રામ ધૂન ચલાવી રામભક્તિની અનોખી જ્યોત પ્રગટી રહી છે. ભૂકંપ, વાવાઝોડુ કે પછી કોરોના મહામારીના સમયમાં પણ મંડળ દ્વારા સતત રામ ધુન ચલાવવામાં આવી હતી, જે કાર્ય હજુ પણ દિવસ રાત કરવામાં આવી રહ્યું છે. અખંડ રામધૂન મંડળના ચાંદ્રાણીભાઈના જણાવ્યા મુજબ જૂનાગઢમાં વર્ષ 1996માં અખંડ રામધૂન નો પ્રારંભ કરવામાં આવ્યો હતોજેને તાજેતરમાં ૨૮ વર્ષ પૂર્ણ થયા છે.
સંસ્થા ખાતે સંચાલકો સેવકો અને રામભક્તો દ્વારા અવિરત રામધૂન બોલાવવામાં આવી રહી છે. રામધુન ઉપરાંત લોકોના મનમાં પણ રામ નામ રહે અને ઘર બેઠા પણ લોકો રામ ભક્તિ તરફ પ્રેરિત થાય તેવા ઉદ્દેશ્યથી સંસ્થા દ્વારા જ કોરા પેજ ની રામ નામ લખવા બુક આપવામાં આવી રહી છે. પ્રારંભે માત્ર કોરા પેજ પર રામ નામ લખવામાં આવતા હતા ત્યારબાદ હવે પ્રિન્ટેડ બુક જ નિઃશુલ્ક આપવામાં આવે છે, જેમાં એક બુકમાં ૨૮,૮૬૦ નામ નો સમાવેશ થાય છે. શરૂઆતમાં મંડળના સભ્યો દ્વારા જ આ કાર્ય કરવામાં આવતું હતું, ત્યારબાદ ધીરે ધીરે લોકો પણ જોડાતા ગયા અને શ્રી રામ નામ શબ્દ લખવા ચેઈનનો પ્રારંભ થયો. નાના બાળકોથી લઇ વડીલો બુક લઈ જાય છે. અંદાજીત દર મહિને ૨૫૦ થી વધુ રામ ભક્તો બુક લઈ જઈ લાલ અક્ષરે રામ નામ લખેલા નામ સાથેની બુક પરત કરી ફરીથી નવી બુક લઈ જઈ અવિરત શ્રી રામ મંત્ર લખવામાં આવે છે. સંસ્થા પ્રારંભ થયાથી અત્યાર સુધીમાં હજારો લોકો આ અભિયાનમાં જોડાયા છે અને અબજોની સંખ્યામાં રામ મંત્ર લખાયા છે. સંસ્થા દ્વારા સેવકોના માધ્યમથી રામ ભક્તો દ્વારા લખાયેલી મંત્ર જાપવાળી બુકોને દર વર્ષે હરિદ્વાર ગંગા નદીમાં પધરાવવામાં આવે છે. પ્રારંભે કોરા પેજમાં ૧૦૦ શબ્દોથી શરૂ કરેલ રામ નામ જપ મંત્ર હવે વર્ષમાં જ કરોડોની સંખ્યામાં પહોંચી ગયું છે.
રામ ધુન મંડળના જણાવ્યા મુજબ અખંડ રામધૂનના પ્રારંભ થયા બાદ સંચાલકો, સેવકો દ્વારા કાગળ પર રામ નામ મંત્ર જાતે લખવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. લખાયેલા રામ નામ જપ મંત્રને કાયમી સંભારણા રૂપ બની રહે તે માટે 13.5 કરોડ મંત્ર જાપના કાગળને મઢાવી અંબિકા ચોક ખાતે આવેલા સંસ્થાના રામ મંદિર ખાતે જ કાયમી યાદગીરી રૂપ સાચવવામાં આવ્યા છે.
પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા દાંડી હનુમાન ખાતે 13 કરોડ મંત્ર લખેલા
અખંડ રામધૂન મંડળના સ્થાપક પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા રામ નામ મંત્રોચ્ચાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ૬૦ વર્ષ પહેલા બેટ દ્વારકા દાંડી હનુમાન ખાતે પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા જાતે જ ૧૩ કરોડ મંત્ર લખ્યા હતા.