સગીરા પર વારંવાર દુષ્કર્મના કેસમાં આકડોલના શખ્સને 20 વર્ષની કેદ
- નડિયાદ સેશન્સ કોર્ટે 35 હજારનો દંડ પણ ફટકાર્યો
- ભોગ બનનારને 1 લાખ વળતર ચૂકવવા આદેશ 11 સાક્ષી, 16 પૂરાવા રજૂ કરાયા હતા
આ કેસની વિગત એવી છે કે, નડિયાદ તાલુકાના આકડોલ ગામનો રાજેશ ઉર્ફે કાકડી પરમાર સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી તા. ૧૬/૦૩/૨૦૨૪ના રોજ ભગાડી ગયો હતો. ભોગ બનનારને પોતાની રિક્ષામાં બેસાડી ડુમરાલ ગામ તરફ લઈ ગયો હતો અને ત્યાંથી જુદા જુદા વાહનોમાં બેસી અલગ અલગ જગ્યાઓ પર લઈ ગયો હતો. ત્યારબાદ તેણે ઉમેશભાઈ પટેલના ખેતરની ઓરડીમાં સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો. આ મામલે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસ નડિયાદના સ્પેશિયલ પોક્સો જજ પી. પી. પુરોહિતની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલની દલીલ ૧૧ સાક્ષીઓ અને ૧૬ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી રાજેશ ઉર્ફે કાકડી પરમારને ૨૦ વર્ષની સખત કેદ અને ૩૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ભોગ બનનાર સગીરાને સરકારના ઠરાવ મુજબ ૧,૦૦,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.