મુકેશ હરજાણીની હત્યામાં સંડોવાયેલા શાર્પ શૂટર પાસેથી અકબરે હથિયાર ખરીદ્યું હતુ

વડોદરા : હત્યાનો પ્રયાસ, અપહરણ, લૂંટ તેમજ ધાડ સહિતના ૧૬૪ ગુનાઓ આચરી હાહાકાર મચાવનારી કાસમઆલા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી પોલીસે નવ આરોપીની ધરપકડ કરી હતી. દરમિયાનમાં તાજેતરમાં પિસ્તોલ સાથે ઝડપાયેલો શખ્સ પણ આ ગેંગનો સાગરીત હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે તેની ગુજસીટોક હેઠળ ધરપકડ કરી હતી. તપાસમાં કબજે કરાયેલી પિસ્તોલ ગેંગસ્ટર મુકેશ હરજાણી હત્યામાં સંડોવાયેલા શાર્પ શૂટર પાસે ખરીદી હોવાનું ખુલવા પામ્યું હતું.અદાલતે આરોપી શાહનવાઝના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હુસેન કાદરમીયા સુન્ની નામના શખ્સે કાસમઆલા
ગેંગના નામથી સંગઠિત ટોળકી બનાવી છેલ્લા દસ વર્ષમાં અસંખ્ય ગુનાઓ આચરતા ક્રાઇમ
બ્રાન્ચે હુસેનમીયા કાદરમીયા સુન્ની, અકબર કાદરમીયા સુન્ની,
શાહીદ ઉર્ફે ભુરીયો શેખ, વસીમખાન ઉર્ફે
બબલુ પઠાણ, હસન
ઉર્ફે ઝાંઝર સુન્ની, સિકંદર સુન્ની, મહંમદઅલી
પઠાણ, સુફીયા પઠાણ અને ગની ઉર્ફે એરટેલ શેખ સામે જાન્યુઆરી
માસમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી તમામ નવ આરોપીઓની ધરપકડ કરી હતી.
દરમિયાનમાં શાહનવાઝ ઉમરભાઇ સુન્ની નામના શખ્સની પીસીબીએ આર્મ્સ
એક્ટના ગુનામાં ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં તે કાસમઆલા ગેંગનો સાગરીત હોવાની
વિગતો સપાટી પર આવી હતી.તપાસમાં આરોપી સામે પણ વિવિધ પોલીસ સ્ટેશનમાં ૧૬ ગુના
નોંધાયેલા હોવાનું અને તે પૈકી ૧૦ ગુના ગુજસીટોક હેઠળના જણાતા પોલીસે તેની
ગુજસીટોક હેઠળ ધરપકડ કરી હતી.આજે આરોપીને અદાલતમાં રજૂ કરાતા સ્પેશ્યલ સરકારી વકીલ
રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, આરોપી પાસેથી જે પિસ્તોલ કબજે કરવામાં આવી હતી
તે પિસ્તોલ અકબરે આપી હતી અને અકબરની પૂછપરછમાં તેણે આ હથિયાર ગેંગસ્ટર મુકેશ
હરજાણી હત્યા કેસના શાર્પ શૂટર પાસેથી ખરીદ્યું હોવાનું જણાવ્યું હોઇ તે દિશામાં
તપાસ કરવાની છે.
પોલીસે ૩૦ દિવસના રિમાન્ડની માગણી કરતા સોગંદનામામાં રજૂઆત કરી
હતી કે,
હથિયારનો સોદો રતલામમાં થયો હતો તો અગાઉ કબજે કરાયેલ હથિયાર મથુરાથી
ખરીદ્યું હોવાનું ખુલવા પામ્યું હોઇ તપાસ માટે બન્ને શહેરમાં જવાનું છે. દારુના ધંધા બાબતે આરોપીએ જણાવ્યું
હતું કે, શામળાજી ચેક પોસ્ટ પાસેના ઝૂંપડામાંથી બે શખ્સ દારુ
ભરી આપતા હતા તેની તપાસ માટે જવાનું છે. રાજસ્થાનના નિશાદ અને બંટી નામના બે શખ્સ
આરોપીની ગેંગના સંપર્કમાં હતા અને તેઓ ગુજરાતમાં દારુ ઘુસાડવા સહિતના કામો આપતા
હતા એટલે તેની તપાસ માટે રાજસ્થાન જવાનું છે. ન્યાયાધીશે આરોપી શાહનવાઝ સુન્નીના
ના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.









