Gujarat

અજરામર ટાવરનું 52.47 લાખના ખર્ચે રિનોવેશન કરવાનું આયોજન

By GS TEAM
15 Jun 20252 mins read
અજરામર ટાવરનું 52.47 લાખના ખર્ચે રિનોવેશન કરવાનું આયોજન

- સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો અણઘડ નિર્ણય

- નવો ટાવર બની જાય તેટલી કિંમતમાં રિનોવેશનના આયોજનથી લોકોમાં કૌતુક : ગ્રાન્ટનો લોકોની સુખાકારી માટે ઉપયોગ કરવા માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા શહેરની મધ્યમાં આવેલ વર્ષો જુના ટાવર (અજરામર ટાવર)ના રીનોવેશન તેમજ ટાવરની નવી ઘડીયાળ પાછળ નવો બની જાય તેટલી રમક (રૂા.૫૨.૪૭ લાખ) ખર્ચ કરવાનો નિર્ણય લેતા લોકોમાં પણ અચરજ સાથે અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. 

તાજેતરમાં સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા અલગ-અલગ વિકાસના ગ્રાન્ટ હેઠળના કામો માટે ઈ-ટેન્ડરીંગ દ્વારા અરજદારો પાસેથી ભાવો મંગાવવામાં આવ્યા છે અને તે અંગેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં ઐતિહાસિક અજરામર ટાવરના રિનોવેશન તેમજ ટાવરમાં સ્થિત ઘડીયાળના રીપેરીંગ સહિતની કામગીરી માટે મનપા તંત્ર દ્વારા અધધ રૂપિયા ૫૨.૪૭ લાખ જેટલી રકમ ખર્ચ કરવાનું આયોજન હાથ ધરાયું છે. ત્યારે આ ટાવર પાછળ આટલી મોટી રકમ ટાવરના રીનોવેશન તેમજ ઘડીયાળ માટે ખર્ચ કરવામાં આવતા લોકોમાં પણ આશ્ચર્ય સાથે અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે. 

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રીનોવેશનની રકમમાં નવા ટાવરનું નિર્માણ થઈ શકે છે ત્યારે જુના ટાવરના રીનોવેશનની પાછળ આટલી મોટી રકમ ખર્ચ કરવા પાછળનું શું કારણ તે અંગે પણ લોકોમાં ચર્ચાઓએ જોર પકડયું છે. અજરામર ટાવરના રીનોવેશન પાછળ કોઈપણ જાતના આયોજન વગર રૂા.૫૨.૪૭ લાખ જેટલી રકમ ખર્ચ કરવાનું આયોજન હાથધરાતા શહેરના પ્રબુધ્ધ અને જાગૃત નાગરિકોમાં પણ મનપા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આટલી રકમમાં તો લોકોની સુખાકારી માટે અન્ય નવી સુવિધા પણ ઉપલબ્ધ થઈ શકે છે તેવી પણ ચર્ચાઓએ જોર પકડયું છે. 

નગરપાલિકાના એન્જીનીયર કે.જી.હેરમાના જણાવ્યા મુજબ રૂા.૫૨.૪૭ લાખના ટાવરના ટેન્ડરમાં ટાવરનો જર્જરીત ભાગ તેમજ નાની-મોટી ટુટફુટ વગેરે રીપેર કરવામાં આવશે તેમજ ટાવરનું રીનોવેશન પણ કરાશે અને ટાવરની નીચેના ભાગે હાલ જે ગોળાઈ છે તેના ફરતે સ્ટોનના પીલર ઉભા કરી વધુ સુશોભીત ટાવર થાય અને તેની સુંદરતા વધે એ પ્રકારની તમામ કામગીરીને આવરી લઈ આ રકમ નક્કી કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું. 

જો કે હાલ શહેરના અજરામર ટાવર પાછળ ટેન્ડર પ્રક્રિયામાં મોટી રકમ ખર્ચ કરવાનું આયોજન હાથધરાતા મનપાના સત્તાધીશો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.